સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ058માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આથી ફ્લાઈટનું અમદાવાદના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ હવામાં હતી ત્યારે ધમકી મળી હતી. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ ફ્લાઈટ લેન્ડિંગ થતા જ દોડતી થઈ ગઈ હતી.
ઈન્ડિગોને ધમકીભર્યો મેલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે ફ્લાઇટમાં બોમ્બ છે, જે રિમોટ કંટ્રોલ પર છે, હૈદરાબાદ જશે તો બ્લાસ્ટ થશે. ધમકીભર્યો મેલ મળતા જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા.
મળતી માહિતી મુજબ, મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ ગંભીર ધમકીને પગલે પાયલોટે તાત્કાલિક નજીકના અમદાવાદ એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો અને સુરક્ષિત રીતે ફ્લાઈટને લેન્ડ કરાવી હતી.
અચાનક ફ્લાઈટ લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતા વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, સીઆઈએસએફ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ બોમ્બ હોવાની વાત કરનાર મુસાફરની અટકાયત કરી તેની ઓળખ અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી.