લાતી પ્લોટમાં બારદાનના ગોડાઉનમાં આગ, 30 લાખનું નુકસાન

  • November 24, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા બારદાનના ગોડાઉનમાં રાત્રિના આગ લાગી હતી થોડીવારમાં જ આ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી ગઈ હતી ત્રણ ફાયર ફાઈટર દ્વારા સાત ફેરા કરી આઠ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આગની આ ઘટનામાં અંદાજિત ત્રીસેક લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ ક્યાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર લાતી પ્લોટ શેરી નંબર 11 માં આવેલા બારદાનના ગોડાઉનમાં રાત્રિના 10:10 કલાકે આગ લાગ્યા અંગેનો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.


અહીં ગોડાઉનમાં બારદાનના જથ્થામાં આગ લાગી હોય જેથી આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગને બુજાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રણ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી .
જેના દ્વારા સાત પાણીના ફેરા કરવામાં આવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઓલવાની આ કામગીરી આઠ કલાક સુધી ચાલી હતી ત્યારબાદ તેના પર કાબુ મેળવ્યો હતો. બારદાનના ગોડાઉનના બાજુમાં આવેલા ગોડાઉનમાં આગ પ્રસરતા ફાયર બ્રિગેડની ટીમે અટકાવી હતી.

ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતા ગોડાઉનના માલિક બીપીનભાઈ જીવરાજભાઈ મીરાણી પણ અહીં દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓની જીવરાજ સામજીભાઈ નામની પેઢી આવેલી હોય જેનું આ ગોડાઉન છે અને અહીં બારદાનનો જથ્થો રાખવામાં આવે છે.
આગની આ ઘટનામાં મોટાભાગના બારદાન સળગી ગયા હોય અંદાજિત 30 લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉન માલિકે જણાવ્યું હતું. જોકે આગ ક્યાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. સદભાગ્યે રાત્રિના સમયે આગની આ ઘટના બની હોય અને અહીં ગોડાઉન પર કોઈ હાજર ન હોય જેથી કોઈ જાનહાની થવા પામી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application