પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના મેનેજિંગ ડિરેક્ટર સેકશનમાં એન્ટ્રી પાસે જ આજે સવારે એર કન્ડિશન ધડાકાભેર સળગવા લાગતા અફડાતફડી મચી જવા પામી હતી, પરંતુ સિક્યુરિટી સહિતના હાજર સ્ટાફે હાયર એસ્ટિંગીઝર ચાલુ કરી દઇ આગને પ્રસરતી અટકાવી દીધી હતી તેમજ ફાયર બ્રિગેડે પણ દોડી જઇ મામલો સંભાળી લીધો હતો.
આ અંગેની હકીકત મુજબ લક્ષ્મીનગરમાં આવેલી પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેનેજમેન્ટ ડિરેક્ટરના વિભાગમાં આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં મહિલાએ સાફ-સફાઈ પુરી કરીને વિભાગની એન્ટ્રી પાસે જ આવેલું એર કન્ડિશન ચાલુ કરતા તેમાં ધડાકાભેર સ્પાર્ક અને ખૂબ જ ધુમાડા સાથે આગ લાગી હતી, દરમિયાન બહેને તાત્કાલિક જાણ કરતા જ સિક્યુરિટી સહિતના હાજર સ્ટાફે દોડી જઈ ફાયર એસ્ટિંગીઝર ચાલુ કરી દીધા હતા, અને આગને પ્રસરતી રોકી દીધી હતી. દરમિયાન ફાયર બ્રિગેડ આવી જતા તેણે મામલો સંભાળી લીધો હતો. એક તબક્કે આગ અને ખુબજ ધુમાડાને એન્ટ્રી મારફત અંદર જવું અશક્ય બનતા બારીના કાચ તોડીને અંદર જવું પડ્યું હતું. આખો મેનેજિંગ ડિરેક્ટર વિભાગ ધુમાડો અને ફાયર એસ્ટિંગીઝરના ડસ્ટથી ભરાઈ જતા મોડે સુધી સફાઈ સફાઈ કામગીરી ચાલી હતી.
શું ફાયર બ્રિગેડ નોટિસ ફટકારશે...?
જકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં કોઇ પણ સ્થળે આગ લાગે તો તે બુઝાવ્યા બાદ ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં નિયુક્ત કરાયેલા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઇ દ્વારા આવો પરીપત્રિત આદેશ જારી કરાયો હતો કે કોઈ પણ સ્થળે આગ લાગે તો ફાયર બ્રિગેડે તે બુઝાવવાની કામગીરી કરવાની સાથે સ્થળ ઉપર ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી મામલે નોટિસ આપવી ફરજિયાત છે. દરમિયાન આજે પીજીવીસીએલના એમ.ડી.ની ચેમ્બરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે તે બુઝાવી હતી પરંતુ નોટિસ આપી કે નહીં? તે અંગેની વિગતો જાહેર કરી નથી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરની ચેમ્બરમાં એરકન્ડિશનમાં આગ ભભૂકતા ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવી હતી. એમ.ડી. તરીકે હાલ કેતન જોષી કાર્યરત છે અને તેઓ રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે અને ડેપ્યુટી કમિશનર તરીકે ફાયર બ્રિગેડ બ્રાન્ચ તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. શું આગની ઉપરોક્ત ઘટના મામલે ફાયર બ્રિગેડ પીજીવીસીએલ એમડીની કચેરીને નોટિસ ફટકારશે કે કેમ ? તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
દરમિયાન આ મામલે મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા તેઓ મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. આજે બપોર સુધીમાં નોટિસ આપવા અંગે કોઈ કાર્યવાહી કરાઇ નહીં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.