ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ગઈકાલે સોમવારે પુન: આગના ધુમાડા જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચરા નિકાલની ડમ્પિંગ સાઇટ ખાતે સોમવારે સવારે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અહીં રહેલા કચરાના વિશાળ ઢગલાઓમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
જેના પગલે ફાયર ફાઈટરના જવાનોએ પહોંચી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી આશરે દસેક દિવસ પહેલા પણ આ ડમ્પિંગ સાઈટના કચરામાં ભયંકર આગ લાગી હતી. ત્યારે વધુ એક વખત ઝેરી ધુમાડાના ગોટા તેમજ દુર્ગંધથી નજીક રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.