BREAKING NEWS

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીને આખરી ઓપ, હાથીઓ પર લાગશે સીસીટીવી-ડેસિબલ મીટર

  • July 10, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં આગામી અષાઢી બીજ (૧૬મી જુલાઈ)ના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તમામ સુરક્ષા તેમજ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી તાજેતરમાં જ શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય, ડેપ્યુટી મેયર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે દરેક હાથીઓ પર સીસીટીવી અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે.


જમાલપુર નિજમંદિરથી શરૂ કરીને ભગવાનના મોસાળ સરસપુર સુધીના સમગ્ર પરંપરાગત રૂટ પર શ્રદ્ધાળુઓ, રથો, અખાડા અને ટ્રકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા રસ્તાના સમારકામ સહિતની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ વર્ષે કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત આયોજન કરીને એડવાન્સમાં જ તમામ રોડ-રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ તંત્રની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જ્યારે અમે રૂટ નિરીક્ષણ માટે મંદિરથી નીકળીને ભગવાનના મોસાળ રણછોડજી મંદિરે પહોંચ્યા, ત્યારે આખા રસ્તામાં એક પણ એવી વસ્તુ દેખાઈ નથી જેને ખામી તરીકે દર્શાવી શકાય. આ વખતે તમામ વિભાગો દ્વારા સમય પૂર્વે જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.


રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાનો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં જોખમી બાંધકામો ધરાવતા મકાનોના માલિકોને અગાઉથી જ નોટિસ ફટકારીને તેના અતિ ભયજનક ભાગો ઉતારી લેવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન ઉત્સાહમાં આવીને કોઈ વ્યક્તિ ભૂલથી પણ આવા જર્જરિત મકાનો કે તેની છત પર ચડી ન જાય તે માટે ત્યાં પતરાં અથવા ગ્રીન કવર (કપડું) લગાવવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ તમામ જોખમી મકાનો પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે અને કોર્પોરેશનની ટીમ પણ ત્યાં સતત હાજર રહેશે. આ ઉપરાંત ભગવાનના રથોને રસ્તામાં નડતરરૂપ બનતા મોટા વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા આટોપી લેવાઈ છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રથયાત્રામાં જોડાતા લાખો ભક્તો અને વાહનોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ ચેરમેનો અને પદાધિકારીઓ સાથે રૂટનું નીરિક્ષણ કરવામાં આવ્યું છે. જર્જરિત મકાનોની સુરક્ષાથી લઈને વૃક્ષોના ટ્રિમિંગ સુધીનું તમામ આગોતરું આયોજન પહેલેથી જ સુનિશ્ચિત કરી દેવાયું છે.


સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે આ વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અનોખું અને ટેકનોલોજી આધારિત આયોજન તૈયાર કરાયું છે. જે મુજબ રથયાત્રામાં જોડાનારા દરેક હાથી પર એક હાઈ-ટેક સીસીટીવી કેમેરો લગાવવામાં આવશે. આ કેમેરા હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈ શંકાસ્પદ સ્થિતિ પર સતત નજર રાખશે. આ કેમેરામાંથી મળતા લાઈવ દૃશ્યો સીધા પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોલીસ તાત્કાલિક એક્શન લઈ શકે.


આ સીસીટીવી ઉપરાંત, તમામ હાથી પર ખાસ 'ડેસિબલ મીટર' પણ લગાવવામાં આવશે. આ સાધન હાથીની આસપાસના અવાજની તીવ્રતા માપવાનું કામ કરશે. જો ડીજે, બેન્ડ કે ભક્તો દ્વારા થતા ઘોંઘાટનો અવાજ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે, તો પોલીસ અને આયોજકોને તાત્કાલિક એલર્ટ મળશે, જેથી તે ઘોંઘાટ તુરંત જ બંધ કરાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વધુ પડતા અવાજના કારણે હાથી ભડકવાની ઘટના સામે આવી હતી. તે ઘટનામાંથી બોધપાઠ લઈને આ વર્ષે હાથીઓ અને ભક્તો બંનેની સુરક્ષા માટે આ આધુનિક ફેરફારો કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application