જામનગર, દ્વારકા, ખંભાળીયાના લોહાણા સમાજમાં ઉગ્ર આક્રોશ

  • January 05, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધંધાકીય બાબતમાં જામનગરના બેકરીવાળા દ્વારા અભદ્ર વાણીવિલાસ: ઓડીયો કિલપ વાયરલ થયા બાદ ઠેકઠેકાણે બેઠકો યોજાઇ: લોહાણા સમાજ માટે અપશબ્દો બોલનારા જામનગરની બેકરીના માલિક સામે વિધિવત ફરિયાદ નોંધાવવા માટે લોહાણા સમાજમાં ઉઠતી માંગ: સલાયામાં પણ કરાયો વિરોધ: લોહાણા સમાજના અઘ્યક્ષ જીતુ લાલે કડક પગલાની કરી માંગણી

ધંધાકીય બાબતમાં ઉઘરાણીના મુદ્દે જામનગરના વેપારી દ્વારા પોરબંદરના એક વેપારી સાથે વાતચીત દરમ્યાન લોહાણા સમાજને લઇને અભદ્ર અને ઉગ્ર વાણીવિલાસ કરાતા અને આ વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઇ જતાં જામનગર, ખંભાળીયા, દ્વારકા, સલાયા સહિતના શહેરોમાં લોહાણા સમાજમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફાટી નીકળી છે, તમામ સ્થળે લોહાણા સમાજની મીટીંગો મળી છે, આટલું જ નહીં પોલીસને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અને આ અંગે વાણીવિલાસ કરનાર વેપારી સામે ધોરણસરની પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જામનગર લોહાણા સમાજના અઘ્યક્ષ જીતુભાઇ લાલ દ્વારા પણ સમગ્ર મામલાને લઇને ગંભીરતાપૂર્વક આગળ વધવાનો સંકેત આપવામાં આવ્યો છે.
જામનગરનો અહેવાલ
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા  પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે જણાવ્યું છે.
આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે તે મુજબ જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઇ (મનુભાઇ) ખેતવાણીએ તા.૧૭ ડીસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલીફોનીક વાતચીત દરમીયાન નાણાંની લેવડ દેવડના પ્રશ્ર્ને સમસ્ત લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટના રઘુવંશી સમાજમાં રોષ મિશ્રિત ઘેરા પડઘા પડયા છે.
જામનગર લોહાણા મહાજન તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટના ઓડીયો કિલપ સ્વરૂપે જાહેરમાં આવીએ સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો અને શોકમય પ્રસંગની વિધીઓમાં વ્યસ્ત હતો જેથી આ મામલે ત્વરિત કંઇ કાર્યવાહી કરી શકાઇ નથી. આજે હું જામનગર આવી ગયો છું અને સમગ્ર મામલાની વિગતો મેળવતાં જાણ્યું છે કે, પોરબંદરના બેકરી સંચાલક રઘુવંશી વેપારીએ આ મામલા અંગે પોરબંદર પોલીસને લેખિત ફરિયાદ અરજી આપેલી છે.
જામનગર શહેર અને સમગ્ર હાલાર પંથકમાં પણ રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડયા છે અને રોષ પ્રસર્યો છે. સમાજની આ લાગણી સમજીને જ્ઞાતિના આગેવાનો સાથે ટેલીફોનીક ચર્ચાઓ કરવામાં આવી છે. જેના પગલે સમસ્ત હાલાર લોહાણા સમાજ તેમજ જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ આવતીકાલ તા. ૦૬/૦૧/૨૦૨૪ના સવારે ૧૧.૦૦ કલાકે જામનગરની કલેકટર કચેરી પર જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો તથા મહાસમિતિના સભ્યો તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારો અને વેપારી આગેવાનો એકઠા થઇને કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવીને આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત કરવાની માંગણી કરશે અને આ મામલે જરૂર પડશે તો સમગ્ર હાલારનો લોહાણા સમાજ આગળના કાર્યક્રમો નકકી કરશે.
***
ખંભાળીયાનો અહેવાલ
પોરબંદરના એક લોહાણા વેપારી તેમજ સમગ્ર રઘુવંશી સમાજને બિભત્સ ગાળો કાઢી, ધમકી આપતા જામનગરના બેકરી સંચાલક સામે ખંભાળિયા શહેર તથા આસપાસના રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ સાથે ગઈકાલે અહીંના પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે.
પોરબંદરમાં રહેતા અને અહીં જ એક બેકરીના ધરાવતા લોહાણા વેપારી યુવાન સાથે જામનગર ખાતે રહેતા એક બેકરીના માલિક દ્વારા પૈસાની લેતી-દેતી બાબતે સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે મોબાઈલમાં એલફેલ શબ્દો કહી અને ખૂબ જ અભદ્ર ભાષામાં વાતો કરતા હોવાનો કથિત ઓડિયો આગની જેમ વાઇરલ થઈ રહ્યો છે.
જામનગરના શખ્સ દ્વારા સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે તેમજ જ્ઞાતિના બહેન દીકરીઓ વિશે અભદ્ર ભાષામાં વાત કરી અને ગાળા ગાળી કરતાં આ કથિત વિડીયો સંદર્ભે ખંભાળિયાના રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર રઘુવંશી સમાજને અપમાનિત કરતા આ ઓડિયો સંદર્ભે અહીંના રઘુવંશી જ્ઞાતિના વિવિધ મંડળો એકત્ર થયા હતા અને આ મુદ્દે ઉગ્ર વિરોધ સાથે સેવાભાવી એવા રઘુવંશી યુવા ગ્રુપ વતી હાર્દિક સુભાષભાઈ મોટાણી દ્વારા અહીંના પોલીસ મથકમાં ઉપરોક્ત મુદ્દે ગુરુવારે સાંજે સવિસ્તૃત લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. આ ફરિયાદ અરજીમાં બેફામ વાણી-વિલાસ કરી અને એલફેલ બોલતા જામનગરની બેકરીના સંચાલક સામે તાત્કાલિક અસરથી ધોરણસર ફરિયાદ દાખલ કરી, કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆત દરમિયાન ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના યુવાનો, આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આટલું જ નહીં, બેફામ બફાટ કરનાર મનુભાઈ ખેતવાણીની બેકરીના ઉત્પાદનનો પણ બોયકોટ કરવા અને તેની પ્રોડક્ટ ન ખરીદવા પણ સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી.
***
દ્વારકાનો અહેવાલ
પોરબંદરના એક લોહાણા વેપારી તેમજ સમગ્ર રઘુવંશી સમાજને બિભત્સ ગાળો કાઢી, ધમકી આપતા જામનગરના બેકરી સંચાલક સામે દ્વારકા શહેરના રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ સાથે ગઈકાલે અહીંના પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. પોરબંદરમાં રહેતા અને અહીં જ એક બેકરી ધરાવતા લોહાણા વેપારી યુવાન સાથે જામનગર ખાતે રહેતા એક બેકરીના માલિક દ્વારા પૈસાની લેતી-દેતી બાબતે સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે મોબાઈલમાં એલફેલ શબ્દો કહી અને ખૂબ જ અભદ્ર ભાષામાં વાતો કરતા હોવાનો કથિત ઓડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
***
સલાયાનો અહેવાલ
પોરબંદરના રઘુવંશી સમાજના યુવાન તન્મય કારિયાને જામનગરના હર્ષ ખેતવાણી અને મનુભાઈ ખેતવાણી દ્વારા ફોનમાં જ્ઞાતિ વિષયક અપસબ્દો અને અપમાનજનક વાણી વિલાસ કરી ધાક ધમકી આપેલ જે બાબતે હર્ષ અને મનુભાઈ ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવા સલાયા લોહાણા મહાજન અને રઘુવંશી યુવક મંડળ દ્વારા લેખિતમાં સલાયા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઇ હતી. આ તકે સલાયાના રઘુવંશી સમાજના આગેવાનો અને યુવાનોએ સયુંકત રીતે અરજીમાં સહીઓ કરી અને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અને જામનગરમાં બેકરીના સંચકલ એવા બને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application