મોટી ખાવડીના રિલાયન્સ મોલમાં ભીષણ આગ : કરોડોનું નુકશાન

  • February 09, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇ રાત્રે ૧૦-૩૦ કલાક બાદ ફાટી નીકળેલી આગ આજે વહેલી સવારે સાતેક વાગ્યે કાબુમાં આવી : રિલાયન્સનો ગુજરાતનો સૌથી મોટો મોલ: રાત્રિના સમયે અકસ્માતે આગ લાગતા રિલાયન્સ-ડીસીસી કંપની, જામ્યુકો, રાજકોટના ફાયર ફાઈટરો દોડયા : કિલોમીટરો સુધી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં રાત્રિના ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી, કંપની, મહાનગરપાલીકા, ડીસીસી સહિતના ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને ઠારી હતી. આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા દરમ્યાનમાં ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત ઉઠાવીને વહેલી સવારે આગને કાબુમા લીધી હતી બીજી બાજુ આગમાં કોઇ દાઝયુ નથી, કોઇને ઇજા થઇ નથી એવું સત્તાવાર નિવેદન કંપની દ્વારા આપવામાં આવ્યુ હતું.
જામનગર નજીક મોટી ખાવડી સ્થીત રિલાયન્સ મોલમાં ગત રાત્રીના ૧૦-૩૦ કલાક પછી કોઇ કારણસર આગ ફાટી નીકળતા અને જોતજોતામાં આગે વિકરાઇ સ્વરુપ લેતા ભારે દોડધામ મચી ગઇ હતી, રિલાયન્સ કંપનીના ફાયર ફાઇટરો, જામનગર ફાયર બ્રિગેડની ટુકડી, સિક્કા ટીપીએસ કોલોની, જી.એસએફસી,  રાજકોટ મહાનગરપાલકા ફાયરની બે  ટિમ સહિતના ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને તાકીદે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી આગના લબકારા અને ધુમાડાના મોટા ગોટે ગોટા જોવા મળ્યા હતા, અને અહીથી પસાર થનારા વાહનોને ડાઇવર્ટ કરવા તેમજ અન્ય વાહનો બિનજરુરી રીતે પસાર ન થાય એ માટે પોલીસ દ્વારા વાહન વ્યવહાર ન ખોરવાય એ પ્રકારની કાર્યવાહી કરાઇ હતી ઉપરાંત પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું નજીકના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને ત્યાથી દુર ખસેડવામાં આવ્યા હતા.
મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. જિલ્લાનું અન્ય પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરાયા હતા અને વહેલી સવારે સાતેક વાગ્યે આગ પર સંપુર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, રિલાયન્સ કંપનીનો આ મોલ ગુજરાતનો સૌથી મોટો મોલ હોવાથી કરોડો રુપીયાની નુકશાનીનો અંદાઝ કાઢવામાં આવી રહયો છે જેનો સત્તાવાર આંક હવે સામે આવશે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં રાત્રિના સમયે આગની ઘટના બન્યા પછી કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેડિકલની ટીમને શાબદી કરી દેવામાં આવી છે. જેમાં સૌપ્રથમ મોટીખાવડી અને આસપાસની વિસ્તારની ચાર ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સને રિલાયન્સ મોલની બહાર સ્ટેન્ડબાયમાં મૂકી દેવામાં આવી હતી. સાથોસાથ રિલાયન્સ કંપનીની એમ્બ્યુલન્સને પણ રિલાયન્સ મોલની બહાર તૈયાર રખાઇ હતી તેમજ મેડિકલ સ્ટાફને પણ સ્ટેન્ડ બાય તૈયાર રખાયો હતો.
***
રિલાયન્સના મોલમાં લાગેલી આગમાં એક પણ વ્યકિત દાઝી નથી
કોઇને ઇજા પણ થઇ નથી : રિલાયન્સ કંપનીના પ્રવકતા દ્વારા રાત્રે જ કરાઇ સત્તાવાર ચોખવટ
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે. તપાસ કરવામાં આવશે તેમ રાત્રે રિલાયન્સ કંપનીના પ્રવક્તા દ્વારા સત્તાવાર રીતે કરાયેલી ચોખવટમાં જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application