BREAKING NEWS

રશિયન ઈન્ટેલિજન્સ (GRU) ના ડેપ્યુટી ચીફ પર ભીષણ હુમલો: ફૂડ ડિલિવરી એજન્ટના વેશમાં આવેલા શૂટરોએ વરસાવી ગોળીઓ

  • February 06, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના સૌથી શક્તિશાળી અને ગુપ્ત સૈન્ય જાસૂસી વિભાગ (GRU) ના પ્રથમ ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર એલેક્સેયેવ પર શુક્રવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પશ્ચિમોત્તર રશિયામાં સ્થિત તેમના એપાર્ટમેન્ટની બહાર જ અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં જનરલને છાતી, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.


ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવ્યા હતા હુમલાખોરો
આ હુમલો અત્યંત વ્યવસ્થિત પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હોય તેવું જણાય છે. હુમલાખોરો એપાર્ટમેન્ટમાં કોઈનું ધ્યાન ન જાય તે માટે 'ફૂડ ડિલિવરી એજન્ટ' બનીને પ્રવેશ્યા હતા. જેવો જનરલ એલેક્સેયેવ તેમના ઘરની બહાર નીકળ્યા, શૂટરોએ તેમના પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા છે. રશિયન તપાસ સમિતિએ આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ ધરપકડ કરવામાં આવી નથી.


કોણ છે લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર એલેક્સેયેવ?
૬૪ વર્ષીય એલેક્સેયેવ રશિયન સેનાના સૌથી અનુભવી અને શક્તિશાળી અધિકારીઓમાંના એક માનવામાં આવે છે. તેઓ યુક્રેન વિરુદ્ધ રશિયાના સૈન્ય અભિયાનોના મુખ્ય વ્યૂહરચનાકાર રહ્યા છે. સીરિયામાં રશિયાના સૈન્ય અભિયાનમાં તેમની બહાદુરી બદલ તેમને રશિયાના સર્વોચ્ચ સન્માન ‘હીરો ઓફ રશિયા’ થી નવાજવામાં આવ્યા છે.


વેગનર વિદ્રોહના મધ્યસ્થી

જૂન ૨૦૨૩ માં જ્યારે યેવગેની પ્રિગોઝિન અને તેની વેગનર આર્મીએ બળવો કર્યો હતો, ત્યારે એલેક્સેયેવ જ તે અધિકારી હતા જેમણે રોસ્ટોવ-ઓન-ડોન જઈને વાતચીત કરી હતી.


શાંતિ વાર્તાને ખોરવવાનો પ્રયાસ?
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અબુ ધાબીમાં અમેરિકાની મધ્યસ્થતામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટેની મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જનરલ એલેક્સેયેવના ઉપરી અધિકારી અને GRU ચીફ એડમિરલ ઇગોર કોસ્ત્યુકોવ કરી રહ્યા છે. રશિયન સુત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો શાંતિ વાર્તાને અટકાવવા અને રશિયન નેતૃત્વમાં ડર પેદા કરવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.

સુરક્ષા કડક કરો
આ ઘટનાની જાણકારી મળતા જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તમામ ઉચ્ચ સૈન્ય અધિકારીઓની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવાના આદેશ આપ્યા છે. રશિયાએ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે, જોકે યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application