વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાંથી માનવતાને શરમાવે તેવી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગા નરાધમ પિતાએ તમામ મર્યાદાઓ ઓળંગીને પોતાની જ ૧૩ વર્ષ અને ૨ મહિનાની સગીર વયની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી છે. આ ચકચારી મામલો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્ય અંગે સગીરાની પીડિત માતાએ હિંમત દાખવીને ડેસર પોલીસ સ્ટેશનમાં નરાધમ પતિ વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધાવી છે.
કપડાં બાબતે ઝઘડો થતાં માતા ઘર છોડી સંબંધીના ઘરે ગઈ હતી
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદની વિગતો અનુસાર, ગત ૨૮ જૂનના રોજ સાંજના સમયે કપડાં લેવા જેવી સામાન્ય બાબતે પતિ અને પત્ની વચ્ચે ઘરમાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ કૌટુંબિક ઝઘડો વધુ ન વધે અને મામલો શાંત પડે તેવા આશયથી પત્ની ઘરની નજીક જ સીમમાં આવેલા તેમના એક મહિલા સંબંધી (બહેન) ના ઘરે થોડો સમય માટે ચાલી ગઈ હતી. તે સમયે ઘરમાં તેમની ૧૩ વર્ષની માસૂમ દીકરી અને ૧૦ વર્ષનો નાનો દીકરો જ હાજર હતા, જેનો ફાયદો ઉઠાવીને પિતાએ રાક્ષસી કૃત્ય આચરવાનું કાવતરું ઘડ્યું હતું.
મોઢામાં કાપડનો ડૂચો આપી દીકરી પર આચર્યું નરાધમ કૃત્ય
રાત્રિના આશરે ૧૨ વાગ્યાની આસપાસ જ્યારે સગીરાની માતા પોતાની બહેન સાથે સીમમાંથી ઘરે પરત ફરી, ત્યારે ઘરની સ્થિતિ જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. ઘરનો મુખ્ય દરવાજો ન હોવાથી ત્યાં આડો રાખેલો ખાટલો અને પડદો હટાવીને જેવા તેઓ અંદર પ્રવેશ્યા, કે સામે રૂમમાં પિતા પોતાની જ સગીર દીકરી પર જબરજસ્તીથી દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. માસૂમ દીકરી બૂમાબૂમ ન કરી શકે તે માટે નરાધમ પિતાએ તેના મોઢામાં કાપડનો ડૂચો ઠાંસી દીધો હતો. અચાનક પત્ની અને સાળીને રૂમમાં જોઈ જતાં જ નરાધમ પિતા પકડાઈ જવાના ડરથી ત્યાંથી પોતાનું પેન્ટ સરખું કરતો ભાગી છૂટ્યો હતો.
"ભાઈ સુઈ ગયા પછી પિતાએ હાથ પકડી લીધા..." – પીડિતાની આપવીતી
આ ભયાનક અને કાળજું કંપાવી દે તેવું દ્રશ્ય જોયા બાદ આઘાતમાં સરી પડેલી માતાએ તાત્કાલિક દીકરી પાસે દોડી જઈને તેના મોઢામાંથી કાપડનો ડૂચો બહાર કાઢ્યો હતો. માતાએ દીકરીને કપડાં પહેરાવી, ગળે વળગાડીને શાંત પાડી હતી. ત્યારબાદ પીડિત સગીરાએ રડતાં-રડતાં પોતાની માતા સમક્ષ આપવીતી જણાવતા કહ્યું કે, "નાનો ભાઈ સુઈ ગયા પછી પિતાએ અચાનક મારી પાસે આવીને મને પકડી લીધી હતી. મેં વિરોધ કર્યો તો મને જબરજસ્તીથી જમીન પર સુવડાવી દીધી અને મોઢામાં કપડું નાખી, હાથ મજબૂતાઈથી પકડી રાખીને મારી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો."
પોલીસ તંત્ર એક્શનમાં: ફરાર કળિયુગી પિતાને પકડવા ચક્રો ગતિમાન
આ હેવાનિયતભર્યા કૃત્યની જાણ થયા બાદ પીડિતાની માતાએ પોતાની બહેન અને બનેવીને સાથે રાખીને મોડી રાત્રે જ ડેસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આરોપી પતિ વિરુદ્ધ સગીર દીકરી પર બળાત્કાર ગુજારવા બદલ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ અત્યંત સંવેદનશીલ કેસની ગંભીરતાને ધ્યાને લઈને ડેસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલ પોતે આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે ભોગ બનનાર સગીરાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક તેનું તબીબી પરીક્ષણ (મેડિકલ ટેસ્ટ) કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ ઘટના બાદથી જ સીમ અને અવાવરૂ વિસ્તારોમાં નાસી છૂટેલા કળિયુગી પિતાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.