BREAKING NEWS

અમદાવાદમાં રો-હાઉસમાં ભીષણ આગ, ગાઢ નિંદ્રામાં જ પિતા અને પુત્ર ભડથું

  • February 24, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવા શહેરના વેજલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગે માસૂમ જિંદગીઓ છીનવી લીધી હતી. કૃષ્ણ નગરી રો-હાઉસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી પિતા ધ્રુવ ગોહિલ (ઉં.વ. 39) અને પુત્ર શાશ્વત ધ્રુવ ગોહિલ (ઉં.વ. 9)નાં કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણ નગરી સોસાયટીના મકાન નંબર ચારમાં રહેતો પરિવાર રાત્રે ગાઢ નિદ્રામાં હતો. અંદાજે મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળને પોતાની લપેટમાં લઈ લીધા હતા. ધુમાડાના ગોટેગોટા અને આગની ભયાનકતાને કારણે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.


સ્થાનિકોએ આગ જોઈ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક 20,000 લીટરની ક્ષમતા ધરાવતી 'ગજરાજ' ટ્રક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ચાલુ આગમાં જ ફાયરની ટીમે ઘરની અંદર પ્રવેશી પિતા અને પુત્રને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. એક નાની બાળકી પણ બચવા જતાં હાથના ભાગે દાઝી ગઈ હતી, જેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.


ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે માતાની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે.


પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય છે. ઘરમાં રહેતા એક વૃદ્ધાના જણાવ્યા મુજબ, આગ લાગતા પહેલા વાયરમાંથી કંઈક સળગતું હોય તેવી ગંધ આવી રહી હતી. સત્ય શું છે તે જાણવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલની મદદ લીધી છે. આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ ફિટિંગની જાળવણી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application