જામનગર તાલુકાના ઠેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ સાંઘાણી માટે બાગાયત કચેરી, જામનગરની આર્થિક સહાયએ આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે. પરંપરાગત ખેતી કે રૂઢિગત કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના અશોકભાઈએ એક નવી જ પહેલ આરંભી છે. તેઓએ રૂ.૨.૨૭ લાખની સહાય મળતા જ ઠેબા ગામ ખાતે પોતાની જય સોમનાથ નર્સરી શરુ કરી છે. જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. અશોકભાઈ માત્ર રુ.૩ થી શરુ કરીને રુ. ૧૦૦ સુધીમાં શાક્ભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેંચાણ કરે છે.
બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત તૈયાર કરેલી સ્વરોજગરલક્ષી બાગાયત નર્સરી વિશે અશોકભાઈ જણાવતા કહે છે કે, પહેલા તેઓ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. પછી તેઓએ જામનગર ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી પ્રતિકભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો. તેમેની પાસેથી નર્સરીમાં રોપ ઉછેર તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવી તેમણે નવતર પ્રયોગ તરીકે શાકભાજીના રોપ અંગેની નર્સરી બનાવવાનું વિચાર્યું.
તેઓ નર્સરીમાં મરચી, રીંગણા, ટામેટા સહિત અનેક શાકભાજીના રોપ તૈયાર કરે છે. આ ઉપરાંત તેઓ નર્સરીમાં ગલગોટા, સેવંતી વગેરે ફૂલોના રોપનો પણ ઉછેર કરે છે તેમજ નર્સરીમાં સીતાફળ, આંબા, જામફળ, નાળીયેર જેવા ફળપાકની કલમોનો પણ ઉછેર કરે છે. આમ અશોકભાઈ હર્ષની લાગણી અનુભવતાં જણાવે છે કે રોપનો પહેલા પરંપરાગત પદ્ધતિથી ઉછેર કરવામાં ઉગવાનો દર, જગ્યા, નિંદામણ, જીવાત, છોડનો વિકાસ, વરસાદ, પવન તેમજ પ્રાણીઓથી રોપને નુકશાન થતું હતું. જ્યારે નર્સરીમાં વીડ મેટ અને પ્લગ ટ્રે માં રોપ ઉછેરવાથી ઉપરોક્ત તમામ પ્રકારના નુકશાનથી બચી શકાય છે, બિયારણ ઉગવાનો દર સારો રહે છે અને ખર્ચ ખુબ ઓછો આવે છે. આ માટે અમને બાગાયત વિભાગ તરફથી સ્વરોજગરલક્ષી બાગાયત નર્સરી માટેની રુ.૨,૨૭,૧૪૬ ની સહાય મળેલ છે. અમે ત્રણ મહિના પહેલા આ નર્સરીની શરૂઆત કરી હતી અને અત્યારે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે રૂ. ૪,૦૦,૦૦૦ થી વધુ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, અમારી નર્સરી ખાતે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને તે મુજબ અમે વાવેતર કર્યું છે. જેનાથી અમારા ઉત્પાદનમાં વધારો થયો છે. હાલમાંં સીઝનમાં વરસાદ સારો થયો છે તેથી મબલખ ઉત્પાદન મળ્યું છે. શાકભાજી અને ફ્રૂટમાં અમે રીંગણ, ટામેટાં, મરચી, જાંબુ, સ્ટારફ્રુટ, ડ્રેગનફ્રૂટ સિવાય ફુલઝાડમાં ગલગોટા, તુલસી, મોરપંખ, કરેણ, ગુલાબ વગેરેના રોપ બનાવીએ છીએ. જેની ગ્રાહકમાં બહોળા પ્રમાણમાં માંગ જોવા મળે છે.
તેમણે અંતમાં જણાવે છે કે, હાલના વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણને જોતા દરેક વ્યક્તિ પ્રાકૃતિક કૃષિના માર્ગ તરફ વળે તે ઈચ્છનીય છે. દરેક પોતાના ઘરે કિચન ગાર્ડનનું નિર્માણ કરે, જેથી સૌને રાસાયણિક ખાતરમુકત શુદ્ધ અને સાત્વિક શાકભાજી, ફળ આપણે ઘરે બેઠા મેળવી શકીએ.