અમેરિકામાં એક ડૉક્ટરે વૈભવી જીવન જીવવા અને મોંઘી વસ્તુઓ ખરીદવા માટે બધી હદો પાર કરી દીધી છે. કેલિફોર્નિયાના એક મહિલા ડૉક્ટરે મેડિકેર સાથે નકલી ઇન્જેક્શન કૌભાંડ આચરી 45 મિલિયન ડોલર (આશરે રૂ.380 કરોડ)ની છેતરપિંડી કરવામાં દોષી ઠેરવવામાં આવી છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મહિલા ડોક્ટરને બોટોક્સ ઇન્જેક્શનના ખોટા દાવાઓ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરવાનો દોષી ઠેરવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 45 વર્ષીય ડૉ. વાયોલેટા મેલિયન છેતરપિંડીમાંથી મળેલા પૈસાથી વૈભવી જીવનશૈલી જીવતી હતી.
આરોપી ડૉક્ટરે સરકારી ભંડોળનો ઉપયોગ વિદેશમાં મોંઘી રજાઓ માણવા માટે કર્યો હતો. વધુમાં, તેણીએ આ પૈસાનો ઉપયોગ 17મી સદીના દુર્લભ અને પ્રાચીન ક્રોસબો 12,000 ડોલર (આશરે રૂ. 10 લાખ)માં ખરીદવા માટે પણ કર્યો હતો.
ગ્લેન્ડેલની રહેવાસી વાયોલેટ્ટાએ વાયર છેતરપિંડીના નવ ગુનાઓ અને આરોગ્યસંભાળ સંબંધિત ફોજદારી તપાસમાં અવરોધ ઊભો કરવાના ત્રણ ગુનાઓ સ્વીકાર્યા છે. લોસ એન્જલસમાં આ મોટા કૌભાંડનો પર્દાફાશ ન્યાય વિભાગના આરોગ્ય સંભાળ છેતરપિંડી વિભાગની ડેટા એનાલિટિક્સ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.
જ્યારે ટીમે તબીબી દાવાઓના ડેટાની બારીકાઈથી તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં અન્ય કોઈપણ ડૉક્ટર કરતાં મેડિકેર દ્વારા વાયોલેટાને બોટોક્સ ઇન્જેક્શન માટે સૌથી વધુ ચૂકવણી કરવામાં આવી હતી. તે દેશના અન્ય તમામ ડૉક્ટરોની તુલનામાં એક નોંધપાત્ર આઉટલીયર તરીકે ઉભરી આવી, જેનાથી તપાસ એજન્સીઓની શંકા વધી ગઈ હતી.
ન્યાય વિભાગના રાષ્ટ્રીય છેતરપિંડી અમલીકરણ વિભાગના સહાયક એટર્ની જનરલ કોલિન મેકડોનાલ્ડે આ બાબતે કડક નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું, વાયોલેટા મેયાલિયને દર્દીઓનું ખોટું નિદાન કર્યું હતું. જ્યારે તે પોતે વિદેશમાં વૈભવી રજાઓ માણી રહી હતી, ત્યારે તેણે બોટોક્સ ઇન્જેક્શન માટે મેડિકેરને બનાવટી બિલ સબમિટ કર્યા. ત્યારબાદ તેણે ખોટા રેકોર્ડ રજૂ કરીને ફેડરલ એજન્ટોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
મેકડોનાલ્ડે વધુમાં જણાવ્યું હતું કે ફ્રોડ ડિવિઝનનો ડેટા-આધારિત અભિગમ દેશભરમાં આવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છે. આ ટેકનોલોજી ખાતરી કરે છે કે કોઈ પણ ડૉક્ટર કરદાતાઓના પૈસા ચોરવા માટે આવી સ્પષ્ટ યોજના બનાવી શકે નહીં.