જામનગરના અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પુર્વ પોલીસમેનને જામીન આપતી હાઇકોર્ટ

  • December 08, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુનાહીત ઇતિહાસ નહીં હોવાની, પૈસાની લેતી-દેતીમાં સંડોવણી નહીં હોવાની, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યાની એેડવોકેટ વી.એચ. કનારાની દલીલો બાદ વડી અદાલતે આપ્યા જામીન

સમગ્ર ગુજરાતમાં ગાજેલા જામનગરના અતી ચકચારી ગુજસીટોક પ્રકરણમાં આજે હાઇકોર્ટ દ્વારા પુર્વ પોલીસમેનને જામીન આપવામાં આવ્યા છે, આરોપીના વકિલની ગુજસીટોક કાયદાના અનુસંધાને ગુનાહીત ઇતિહાસવાળી દલીલ સહિતની દલીલો બાદ વડી અદાલતે ચુકાદો આપ્યો હતો.
થોડા સમય પહેલા ગુજસીટોક પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા પુર્વ પોલીસમેન વશરામ આહિરની જામીન અરજી વડી અદાલત સમક્ષ મુકવામાં આવી હતી અને આજે હાઇકોર્ટના જસ્ટીસ દિવ્યેશ જોશી દ્વારા જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.
આરોપી પુર્વ પોલીસમેનના એડવોકેટ વી.એચ. કનારા અને નિરુપમ નાણાવટી દ્વારા વડી અદાલત સમક્ષ એવી દલીલો કરાઇ હતી કે, આરોપીનો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી, જયારે ગુજસીટોકના કાયદામાં એવું પ્રાવધાન છે કે, જે તે આરોપીનો ગુનાહીત ઇતિહાસ હોવો જોઇએ, આ ઉપરાંત ગુજસીટોક પ્રકરણમાં પૈસાની લેતી-દેતીમાં પણ વશરામ આહિરની કોઇ સંડોવણી નહીં હોવાની દલીલ કરાઇ હતી.
હાઇકોર્ટ સમક્ષ વિશેષમાં એવી પણ દલીલ કરાઇ હતી કે, આરોપી પુર્વ પોલીસમેનને એમની ફરજ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો, આ તમામ દલીલોના અંતે હાઇકોર્ટે રેગ્યુલર જામીન અરજી  આજે મંજુર કરી હતી.
જામનગર સહિત રાજયમાં ભારે ચકચારી બનેલા ગુજસીટોક પ્રકરણની પુર્વ વિગતો મુજબ જામનગરના ભુમાફીયા જયેશ પટેલ એન્ડ ટોળકી દ્વારા જમીનો પચાવી પાડવી, ખંડણી માગવી સહિતનું ગુનાહીત સામ્રાજય ઉભુ કરવામાં આવ્યુ હતું, એક પછી એક ફરીયાદો દાખલ થઇ હતી, દરમ્યાનમાં ગૃહવિભાગથી આદેશ છુટતા જામનગર પોલીસ દ્વારા જયેશ પટેલ એન્ડ ટોળકી સામે ઓર્ગેનાઇજ ક્રાઇમ હેઠળ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તબકકાવાર આરોપીઓને પકડી પાડી રાજયની જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જેમાં અગાઉ અમુક આરોપીઓ દ્વારા જામીન અરજીઓ કરવામાં આવી હતી, જે પૈકી ૩ આરોપીઓની અગાઉ જામીન અરજીઓ મંજુર થઇ હતી, બીજી બાજુ ભુમાફીયા જયેશ પટેલ લંડનમાં પકડાઇ ગયો હતો અને ત્યાંની કોર્ટમાં કેસ ચાલી રહયો છે, જયેશને ભારત - ગુજરાત લાવવા માટેની કાનુની લડત ચાલી રહી છે.
ગુજસીટોકના ૩ વર્ષ પુર્વેના પ્રકરણમાં કુલ ૧૨ સામે ગુનો દાખલ થયો હતો અને તબકકાવાર આરોપીઓ સકંજામાં આવ્યા હતા, તપાસ દરમ્યાન આરોપીઓના નામ ખુલ્યા હતા, જયેશ પટેલ સહિતનાઓની કેટલીક કિંમતી મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી, આ પ્રકરણમાં હજુ બે આરોપી ફરાર છે અને ૩ આરોપી અંદર હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application