ગુજરાતના બજેટ કરતા દેવાનો આંકડો મોટો, એક વ્યક્તિ પર 66 હજારનું દેણું, બે વર્ષના વ્યાજનો આંકડો જાણી ચોંકી જશો

  • February 21, 2025 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ જેટલું બજેટનું કદ છે તેનાથી વધારે તો ગુજરાતનું દેવું છે. ગુજરાતમાં જન્મ લેનાપ દરેક ગુજરાતી બાળક 66 હજારનું દેવું લઈને જન્મે છે. કારણ કે, ગુજરાતનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને વિપક્ષે સરકારને વિધાનસભા ગૃહમાં આડેહાથ લીધી હતી.  


ગઈકાલે રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતની પ્રજાને રૂ.148 કરોડની નજીવી વેરા રાહત આપવામાં આવી છે. પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી


કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર થયું છે. આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે.  


બે વર્ષમાં ગુજરાત સરકારે દેણાનું  25,212 કરોડ વ્યાજ ચૂકવ્યું
જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-2024માં બે વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા છે અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે. જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7 હજાર કરોડ, બજાર લોન 51 હજાર કરોડ તેમજ કેન્દ્રીય લોન 7 હજાર 634 કરોડની ચાલુ છે. જ્યારે 2022-2023ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23442 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી.


ગુજરાતની દરેક વ્યક્તિ પર 66 હજારનું દેણું
ગુજરાત સરકારના જાહેર દેવા મુદ્દે કોંગ્રેસ સરકારે ભાજપને ઘેરતાં આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિશાન સાધતાં કહ્યું હતું કે, સરકારી નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે. 'સરકારે ઉત્સવો, તાયફા કરવા માટે લોન લઈને દેવું કર્યું છે. ગુજરાતની જનતા માથે સતત દેવું વધી રહ્યું છે. 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું દેવું છે. આ મુજબ ગુજરાતમાં જન્મતું બાળક 66,000ના દેવા સાથે મોટું થાય છે. 


દેવું વધીને 4 લાખ 55 હજાર 537 કરોડ થશે
એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ દેવું વધીને 4 લાખ 55 હજાર 537 કરોડ થશે. જ્યારે 2026-2027ના અંતે દેવું વધીને 4 લાખ 73 હજાર 651 કરોડ થશે.  ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આવકમાં અધધધધ વધારો થઈ રહ્યો હોવા છતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે. 2010માં 37000 કરોડ રૂપિયાના બજેટનું કદ આજે વધીને 3,70,250 કરોડ રૂપિયાનું થઈ ગયું હોવા છતાંય ગુજરાત દેવાના ડુંગર તળે કચડાઈ રહ્યું છે. રાજ્યની આવક કરતાં જાવક વધારે હોવાથી સતત દેવામાં ઊંડું ખૂપતું જ જશે. ગુજરાત આ દેવામાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં. પરિણામે ગુજરાતના ગરીબો, બાળકો, મહિલાઓ અને શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન બદતર બનતું જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application