જામનગરમાં કમળાના કેસનો વાયરો વધ્યો: ૩૦ કેસ નોંધાયા

  • August 31, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૉસ્પિટલમાં ૧૦ અને ખાનગી હૉસ્પિટલમાં ર૦ જેટલાં કેસ આવતાં તંત્ર હરકતમાં: મૅલેરિયા, તાવ, ઝાડા-ઉલટીના કેસોમાં પણ થયો વધારો: ગામડાંમાં પણ કમળાના કેસ વધ્યા

જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમળાના કેસોમાં ભારે વધારો થયો છે, છેલ્લા ચાર દિવસમાં જીજીમાં આશરે ૧૦ અને ખાનગી હૉસ્પિટલમાં ર૦ જેટલાં કેસ આવતાં ડૉક્ટરોમાં પણ દોડધામ વધી છે. બીજી તરફ વાયરલ ઈન્ફેકશન, તાવ, શરદી-ઉધરસ અને પેટના દુ:ખાવાના દર્દીઓ પણ વધ્યા છે. ગામડાઓમાં કમળાનું આગમન થયું છે. જો કે, ડેંગ્યુએ હમણાં થોડી રાહત આપી છે, મચ્છરોનો ઉપદ્રવ વધતાં કોર્પોરેશને પણ તકેદારી રાખવા લોકોને જાણ કરી છે.
મળતી માહિતી મુજબ જીજી હૉસ્પિટલમાં ધીરે-ધીરે કમળાના કેસો વધ્યા છે, ચાર દિવસમાં ૧૦ જેટલાં દર્દીઓને કમળો લાગુ પડ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમર્પણ, ઓશવાળ, ઈન્દુમધૂ હૉસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ સહિતની કેટલીક એસટી રોડની ખાનગી હૉસ્પિટલોમાં પણ કમળાના કેસો વધી રહ્યાં છે. એટલું જ નહીં એક માસમાં મેલેરિયાના પ૭ કેસ નોંધાયા હતાં, ગયા મહીને ડેંગ્યુના પણ ચાર કેસ નોંધાયાં હતાં.
છેલ્લા પાંચ દિવસથી તાવ-શરદી-ઉધરસના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને નવું પાણી આવ્યા બાદ પેટના દુ:ખાવા, વાયરલ ઈન્ફેકશન, તાવ અને શરદી-ઉધરસના કેસોનું પ્રમાણ વધ્યું છે એટલે ડૉક્ટરોએ લોકોને ગરમ પાણી પીવા સલાહ આપી છે અને આંખ પીળી લાગે કે અન્ય પ્રકારની કળતર હોય તો તત્કાળ ડૉક્ટરને બતાવીને આગળની સારવાર લેવા પણ જણાવાયું છે.
ખાસ કરીને જામનગર તાલુકા અને કેટલાંક ગામડાંઓમાં પણ કમળાના કેસ વધી રહ્યાં છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડૉક્ટરના જણાવ્યા મુજબ કમળાની ઝપેટમાં ગામડાના ચાર દર્દીઓ આવ્યા છે. જો કે, આ તમામની તબિયત સારી છે. આમ ધીરે-ધીરે જામનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application