અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની પર લાદવામાં આવેલી નાકાબંધી હવે પૂર્ણપણે ખતમ કરવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું કે, "મને જણાવતા આનંદ થાય છે કે હોર્મુઝ હવે દરેક માટે ખુલ્લું છે. ભવિષ્યમાં આ રસ્તો ક્યારેય બંધ થાય તેવી નોબત નહીં આવે." નોંધનીય છે કે ગત સોમવારે (13 એપ્રિલ) અમેરિકાએ આ રસ્તો બ્લોક કરવા માટે સમુદ્રમાં 10 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા.
ટ્રમ્પે આ નિર્ણય પાછળ ચીન સાથે થયેલી સમજૂતીને મુખ્ય કારણ ગણાવ્યું છે. સીઝફાયર દરમિયાન એવી ખબર પડી હતી કે ચીન ઈરાનને હથિયારો મોકલી રહ્યું છે. ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. ચીને હવે ઈરાનને હથિયારો ન આપવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે નાકાબંધી કેમ હટાવવી પડી? (અસલી કારણો)
નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પના આ નિર્ણય પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:
નાકાબંધીની નિષ્ફળતા: 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ અમેરિકાની નાકાબંધી નિષ્ફળ રહી હતી. પહેલા જ દિવસે લગભગ 20 જહાજો અમેરિકી સેનાની નજર હેઠળથી હોર્મુઝ પસાર કરી ગયા હતા. આમાંના મોટાભાગના જહાજો ચીનના હતા, જેને રોકવાથી ચીન અને અમેરિકા વચ્ચે સીધું યુદ્ધ શરૂ થવાનું જોખમ હતું.
યુરોપિયન દેશોનું દબાણ: બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો આ મામલે સક્રિય થયા હતા. ફ્રાન્સે ચેતવણી આપી હતી કે જંગ લડતા દેશો સમગ્ર દુનિયાને પરેશાન ન કરી શકે. તેઓ આ માર્ગને મુક્ત રાખવા માટે એક અલગ વૈશ્વિક ગઠબંધન તૈયાર કરી રહ્યા હતા, જે અમેરિકા માટે નવો પડકાર બની શકે તેમ હતું.
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા: આ અઠવાડિયાના અંતે ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા યોજાવાની છે. જો યુદ્ધના મેદાનમાં અમેરિકાની હાર કે નબળાઈ દેખાય તો મંત્રણાના ટેબલ પર ટ્રમ્પની ટીમ નબળી સાબિત થઈ શકે તેમ હતી. તેથી વાતચીત પહેલા જ ટ્રમ્પે આ વિવાદમાંથી પીછેહઠ કરી લીધી છે.
બજારમાં રાહતનો શ્વાસ
હોર્મુઝ ખુલવાના સમાચારથી વૈશ્વિક શેરબજાર અને તેલના ભાવમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે. જે ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર કરી ગયું હતું, તેના ભાવમાં હવે ઘટાડો જોવા મળી શકે છે. ભારત જેવા દેશો માટે, જેઓ મોટાભાગનું તેલ આ માર્ગે મંગાવે છે, આ સમાચાર મોટા આશ્વાસન સમાન છે.