જામનગરમાં ભૂગર્ભના ગર્ભમાં ભ્રષ્ટાચારનું ભૃણ

  • August 26, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘દાદા’ એક નજર ઇધર ભી: પ્રજાના મતે ચૂૂંટાયેલા લોકોની એક આખી ફૌજ સક્રિય છે: કોણ કરશે સીઝેરીયન...? : જમીન સંબંધીત મામલાઓ કોર્ટમાં જઇને વિવાદે ચડતા હોવાથી મલાઇ ખાવા આતુર કેટલાક પ્રજાના ચૂંટાયેલા નવા અને જુના કહેવાતા પ્રતિનિધિઓએ ભૂગર્ભ ગટર પર પોતાના કેમેરા ગોઠવી દીધા છે: હદ વધવાના કારણે હવે શહેરમાં ૫૦ ટકા જેટલું ભૂગર્ભ ગટરનું કામ બાકી: રાજયની વિજીલન્સ ઝીણવટભરી તપાસ કરે તો અનેકના તપેલા ચડી શકે

સત્તાનો નશો દારુથી પણ ખરાબ છે, કારણ કે મદીરામાં મદહોશ વ્યકિત અમુક કલાકો બાદ ભાનમાં આવી જાય છે, હેંગઓવર હોય તો પણ ઉતારી શકાય છે, પરંતુ સાલો સતાનો નશો એવો છે કે જયાં સુધી કોઇ ૪૪૦ વોલ્ટનો ઝાટકો ન લાગે ત્યાં સુધી આ નશો ઉતરતો નથી અને હવે તો સતાની પરીભાષા પણ બદલાઇ ગઇ છે, જે લોકો પ્રજાના મતોના આધારે સ્થાન મેળવે છે એ લોકો હવે જાણે એવું સમજતા થઇ ગયા છે કે, પાંચ-દશ વર્ષ મળ્યા છે બને એટલા રુપિયા બનાવી લો....ભલે બધા લોકપ્રતિનિધિ આવા નથી પણ મોટાભાગના આવા છે, એમ કોઇ કહે તો તેને ખોટા કેમ કહેવા ?
આ પ્રશ્ર્ન એટલા માટે ઉપસ્થિત થયો છે કારણ કે હાલમાં જામનગરમાં મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટરના કામમાં ગંભીર અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું વ્યાપકપણે ચર્ચાય છે, રાજકારણીઓની ગુપ્ત ચર્ચાઓમાં આ મુદો ચર્ચાનો વિષય રહે છે કે, ફલાણો ભાઇ, ફલાણા-ફલાણા ચૂંટાયેલા પ્રતિનિધિ બધા એક થઇને ભૂગર્ભ ગટરના કામમાં બને એટલી ભ્રષ્ટાચારની ગંદકી ભેળવવા માટે રિતસર સક્રિય બની ગયા છે. આ ખુબ અફસોસની વાત છે, તેમાં કેટલાક નવા કહેવાતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામેલ છે અને કેટલાક જુના જોગીઓ કેવી રીતે માલ ખવાય તેનું પુરેપુરુ માર્ગદર્શન આપી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉર્ફે ‘દાદા’ એક સ્વચ્છ પ્રતિભાશાળી નેતા છે, પરંતુ એમને અંધારામાં રાખીને એમની જ ટીમના કેટલાક ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ મહાનગરપાલિકાના કેટલાક ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે સાંઠગાંઠ કરીને ભૂગર્ભ ગટરના કામમાં અતિશય ગોબાચારી કરી રહ્યા છે, આ અંગેની ઉંડી તપાસ જો એમના દ્વારા કરાવવામાં આવે તો ઘણાબધાની કારર્કીદીઓ જે શરુ થઇ છે તેના પર અલ્પવિરામ મુકાઇ જવાની પુરેપુરી સંભાવના છે.
અમારા સુત્રો જણાવી રહ્યા છે કે, મહાનગરપાલિકાની હદ વધી અને નવા વિસ્તારોનો તેમાં સમાવેશ થયો એ પૂર્વે ૮૦ ટકા જેટલું ભૂગર્ભ ગટરનું કામ પુરુ થઇ ચૂકયું હતું, માત્ર ૨૦ ટકા બાકી હતું, આ પછી શહેરના સીમાડા વઘ્યા એટલે સ્વભાવિક રીતે મહાપાલિકાની સત્તા મર્યાદા પણ વધી અને નવા વિસ્તારો ભળ્યા હોવાના કારણે ભૂગર્ભ ગટરના કામ સંબંધે જો નજર કરીએ તો હવે આ નવા વિસ્તારોના કારણે ૫૦ ટકા જેટલું ભૂગર્ભ ગટરનું કામ બાકી છે.
જામનગર સૌરાષ્ટ્રનું પેરીસ છે એવું ગાઇ-વગાડીને કહેવામાં આવે છે, પરંતુ ભૂગર્ભ ગટરના કામ પણ હજુ આટલા મોટા પ્રમાણમાં બાકી છે એ એક દુ:ખદ વાસ્તવિકતા છે, અગાઉ કોર્પોરેશનમાં આવી ચૂકેલા બેડી, જોડીયા ભુંગા, ગરીબનગર, વિભાપર જેવા વિસ્તારોમાં હજુ ભૂગર્ભ ગટરના ઘણા કામ બાકી છે, આ ઉપરાંત નાઘેડી, કર્મચારીનગર, હાપા અને ઢીચડામાં ભૂગર્ભ ગટર નાખવા માટે કહેવાય છે કે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ ચાલું થઇ ગઇ છે.
એક સવાલ મનમાં ઉઠે છે કે, તમામ વિકાસના કામમાં કોઇપણ વિઘ્નના કારણે મહાપાલિકાની ગાડી ગોકળ ગાયની ગતિએ ચાલે છે, તો માત્ર ભૂગર્ભ ગટરના કામમાં જ જેટ ગતિ કેમ છે...?....આના માટેના કેટલાક કારણો છે અને તેમાં સૌથી મોટુ કારણ છે છાના ખુણે, બેખૌફ ચાલી રહેલો ભ્રષ્ટાચાર.
એવી આઘાતજનક વિગતો સપાટી પર આવી રહી છે કે, હાલમાં શહેરમાં ભૂગર્ભ ગટરના ૧૦૦ કરોડના કામ ચાલી રહ્યા છે, કહેવાય છે કે, આ કામોમાં કેટલાક મોટા કામ એવા છે કે તેમાં ચૂંટાયેલા ચોકકસ લોક પ્રતિનિધિઓ માત્ર મલાય જ ખાતા નથી, છુપી ભાગીદારી પણ ધરાવે છે !
સ્વભાવિક છે કે, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કોન્ટ્રાકટરોની સાથે હોય તો એમને કોઇ ખૌફ રહેતો નથી, પછી નબળી ગુણવતાનું કામ કરવામાં પણ એમને કોઇનો ડર રહેતો નથી અને સરવાળે અત્યંત મહત્વની યોજનાનું કામ નબળું થાય છે જેનો ભોગ આખરે પ્રજાને બનવું પડે છે.
ભ્રષ્ટાચાર આપણા માટે એક એવો રાક્ષસ છે જેનો વધ હજુ સુધી કોઇ સંપૂર્ણ રીતે કરી શકયું નથી, બહુ હો હા દેકારો થાય તો આબરુ જવાની બીકે સતાધીશો તપાસના દંડા પછાડે છે, પરંતુ કોઇ ભ્રષ્ટાચારીને કોઇપણ રાજકીય પક્ષે ભ્રષ્ટાચાર કરવા બદલ પક્ષમાંથી પાણીચા પકડાવી દીધા હોય એવા કોઇ દાખલા શું અત્યાર સુધી બન્યા છે ?
જામનગર મહાનગરપાલિકામાં અત્યારે અંદરખાને એવી વ્યાપક ચર્ચાઓ ચાલે છે અને જામનગરના રાજકીય આલમમાં પણ છાનાખુણે એવું ચર્ચાઇ રહ્યું છે કે, ભૂગર્ભ ગટરની યોજનાને કેટલાક નવા અને જુના લોક પ્રતિનિધિઓએ સોનાની ખાણ સમાન માની લીધી છે, બીજા કોઇ મોટા કામમાં તો થાય એટલું કરી લેવાનું પરંતુ વધુ ફોકસ આ કામ પર કર્યુ હોવાથી જરુરી બને છે કે, રાજય સરકાર આ દિશામાં ઘ્યાન આપે અને જરુર પડયે તો ગુપ્તરાહે વિજીલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવે, જો આવું થશે તો ઘણાના ભાંડા ફુટી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application