BREAKING NEWS

સૌરાષ્ટ્ર, મધ્ય ઝોનની પાલિકા-પંચાયતોમાં પદાધિકારીઓની વરણી સોમવાર પછી થશે, ભાજપ મુખ્યાલયમાં બેઠકોનો ધમધમાટ

  • May 07, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિજય મેળવ્યા બાદ હવે જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સુકાનીઓ નક્કી કરવાની પ્રક્રિયા તેજ બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનની સંસ્થાઓમાં પ્રમુખ, મેયર અને કારોબારી અધ્યક્ષ જેવા મહત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત આગામી ૧૧મી મે, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ તેઓ પ્રથમવાર વડોદરા અને સોમનાથની મુલાકાત લેશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના આ પ્રવાસ બાદ જ પ્રદેશ ભાજપ મોવડીમંડળ દ્વારા બાકી રહેલા ઝોનના પદાધિકારીઓના નામો પર આખરી મહોર મારવામાં આવશે. અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પસંદગી સમિતિની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.હાલમાં ઉત્તર અને દક્ષિણ ઝોનની સંસ્થાઓ માટે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મધ્ય ઝોનના આણંદ, મહીસાગર, ખેડા, વડોદરા અને ભરૂચ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે નામોની પસંદગી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે, જે ટૂંક સમયમાં જાહેર કરાશે.

સામાન્ય રીતે નવી ચૂંટાયેલી પાલિકા-પંચાયતોની પ્રથમ બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી હોય છે. જોકે, હાલમાં ગાંધીનગર ખાતે તમામ જિલ્લા કલેક્ટરોની 'ચિંતન શિબિર' ચાલી રહી હોવાથી આ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે. આ શિબિર ગુરુવારે પૂર્ણ થશે, જેના કારણે હવે જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠકો આગામી સપ્તાહે ૧૨ મે, મંગળવાર પછી જ યોજાય તેવી શક્યતા છે.


સ્થાનિક ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો ભાજપે રાજ્યમાં એકચક્રી શાસન સ્થાપિત કર્યું.

મ્યુનિસિપલ કોર્પોરેશન: ૧૫ માંથી ૧૫ બેઠકો પર વિજય.

નગરપાલિકા: ૮૪ માંથી ૭૯ પાલિકાઓમાં બહુમતી.

જિલ્લા પંચાયત: ૩૪ માંથી ૩૩ પંચાયતોમાં જીત.

તાલુકા પંચાયત: ૨૬૦ માંથી ૨૨૯ બેઠકો પર કેસરીયો લહેરાયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application