BREAKING NEWS

રાજકોટમાં જર્જરીત ક્વાર્ટરોના નળ-વીજ કનેક્શન કપાતા હોબાળો, વૃદ્ધ ખાડામાં સૂઈ ગયા; રહીશો દોડ્યા RMC કચેરી

  • June 22, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં જર્જરીત અને જોખમી બિલ્ડિંગો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગ બોર્ડના અત્યંત જર્જરીત ક્વાર્ટરોને ખાલી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, રહીશો દ્વારા ક્વાર્ટર ખાલી ન કરાતા આજે મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ક્વાર્ટરોના નળ અને વીજળીના કનેક્શન કાપવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. RMCની આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને જોતજોતામાં લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.


કનેક્શન કાપવાની કામગીરી દરમિયાન હૃદયદ્રાવક અને હાઈવોલ્ટેજ ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ જ્યારે નળનું કનેક્શન કાપવા માટે ખાડો ખોદી રહ્યા હતા, ત્યારે ક્વાર્ટરમાં રહેતા એક સ્થાનિક વૃદ્ધ ભારે આક્રોશ સાથે એ જ ખાડામાં અંદર સૂઈ ગયા હતા. વૃદ્ધે ખાડામાં સૂઈ જઈને તંત્રની આકરી કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો, જેને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા વગર કનેક્શન કાપવા તે અન્યાય છે.


રહીશોનું ટોળું મેયર નેહલ શુક્લની શરણે પહોંચ્યું

ઘટનાસ્થળે ભારે વિરોધ પ્રદર્શન કર્યા બાદ, ભગતસિંહ ગાર્ડન નજીકના હાઉસિંગ બોર્ડના આક્રોશિત રહીશોનું આખું ટોળું સીધું જ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસ ખાતે દોડી ગયું હતું. રહીશોએ મનપા કચેરી ખાતે પહોંચીને રાજકોટના મેયર નેહલ શુક્લ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. તેમણે મેયરને પોતાની આર્થિક પરિસ્થિતિ અને મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા. હાઉસિંગ બોર્ડના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ માનવતાના ધોરણે તંત્ર પાસે આગામી દિવાળીના તહેવાર સુધીનો સમય માગ્યો હતો, જેથી તેઓ પોતાના માટે અન્ય કોઈ રહેઠાણની વ્યવસ્થા કરી શકે.


મનપાએ શરતી રાહત આપી: એફિડેવિટની માગણી કરી

સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆત અને ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખીને મેયર દ્વારા આ મામલે મધ્યસ્થી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા રહીશો પાસેથી એક કાયદાકીય એફિડેવિટ (સોગંદનામું) માગવામાં આવ્યું છે. આ એફિડેવિટમાં રહીશોએ લેખિત બાંહેધરી આપવી પડશે કે જો જર્જરીત ક્વાર્ટરનો કોઈ હિસ્સો તૂટી પડે કે કોઈ દુર્ઘટના સર્જાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની નહીં પરંતુ ત્યાં રહેતા રહીશોની પોતાની રહેશે. આ શરતી એફિડેવિટ બાદ જ રહીશોને દિવાળી સુધી રહેવાની મંજૂરી આપવા અંગે તંત્ર દ્વારા મંજૂરી મળી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application