જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં આવતીકાલે ઇદ-ઉલ-અદહાની ઉજવણી

  • June 28, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી સંખ્યામાં લોકો દ્વારા રબની રાહમાં કુરબાની કરવામાં આવશે: ઇદગાહ સહિત જુદી જુદી મસ્જીદોમાં નમાઝ અદા કરવામાં આવશે: બાળકો, યુવકોમાં ઉત્સાહ

આવતીકાલે ઇદ-ઉલ-અદહાની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે, જુદી જુદી મસ્જીદોમાં નમાઝ અદા કરવામાં આવશે, ત્યારબાદ સંખ્યાબંધ ઘરોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની કરવામાં આવશે, એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે હજના અંતિમ દિવસે કુરબાની સાથે ઇદની ઉજવણી કરવામાં આવે છે, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઇદની ઉજવણી થશે, આવતીકાલે જાહેર રજા પણ જાહેર કરાઇ છે.
જીલહજ્જનો મહિનો અતિ પવિત્રતમ હોય છે અને આ મહિનાની તા. ૧ થી ૧૦ દરમ્યાન હજ્જ કરવામાં આવે છે, જુદા જુદા અરકાન જુદા જુદા દિવસે થાય છે અને આ મહિનાની ૧૦ મી તારીખે હાજીઓની સાથે ભારતભરમાં તેમજ વિશ્ર્વમાં ઇદ-ઉલ-અદાહની ઉજવણી કરવામાં આવે છે, આ અંતર્ગત જામનગર, દ્વારકા, ખંભાળીયા સહિત સમ્રગ હાલાર અને સૌરાષ્ટ, ગુજરાતમાં આવતીકાલે ઇદની ઉજવણી કરવામાં આવશે.
પરંપરાગત રીતે ફજરની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ગુસ્લ કરવામાં આવશે અને આ પછી ઇદગાહ સહિતની જુદી જુદી મસ્જીદોમાં ઇદની વાજીબ નમાઝ અદા કરવામાં આવશે, તેમજ ખુત્બો પઢવામાં આવશે. મોટી સંખ્યામાં ઇદગાહ સહિતના સ્થળોએ આ નમાઝ અદા કરાશે, ઇદગાહ ખાતે સવારના ૯.૩૦ નો સમય રાખવામાં આવશે.
આ પછી જામનગરના સંખ્યાબંધ લોકો દ્વારા પોતાની યથાશક્તિ કુરબાની અદા કરવામાં આવશે, ગરીબોને, ફકીરોને, મીસ્કીન લોકોને ભોજન, કપડા ઇત્યાદી આપવામાં આવશે અને ઘરમાં પણ ભાવતા વ્યંજનો બનાવીને, નવા કપડા પહેરીને, બાળકો, યુવાનો ઉત્સાહ સાથે ઇદની ઉજવણી કરશે અને વડીલોના આશીર્વાદ મેળવશે.
ઇદ-ઉલ-અદાહની ઉજવણી નિમિતે જામનગરમાં જુદા જુદા સ્થળે ઇદ મિલનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મિત્રો પણ જોડાય છે અને આ રીતે ભાઇચારાની લાગણી વચ્ચે ઇદની ઉજવણી થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application