BREAKING NEWS

રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ઈ.ડી.એ ગ્રામ્ય કોર્ટમાં પૂરક ફરિયાદ દાખલ કરી

  • May 06, 2026 08:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારના કાદવમાં ખરડાયેલા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી) દ્વારા મનસુખ સાગઠિયા અને તેમની પત્ની ભાવનાબેન વિરુદ્ધ અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં વધુ એક પૂરક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ ફરિયાદને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓ સામે પ્રોસેસ ઈશ્યુ કરી આગામી ૨૪મી મેના રોજ હાજર થવા ફરમાન કર્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે એપ્રિલ ૨૦૧૨થી મે ૨૦૨૪ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ એટલે કે ૨૪.૩૧ કરોડની સંપત્તિ એકઠી કરી હતી. એસીબીની ચાર્જશીટ મુજબ, આ સમયગાળા દરમિયાન સાગઠિયાની કાયદેસરની આવક માત્ર ૨.૫૭ કરોડ રૂપિયા જ હતી. ઈ.ડીએ અત્યાર સુધીમાં ગોંડલ અને માધાપર સ્થિત ૨૨.૭૧ લાખની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જમ કરી છે.
મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી રોકડ રકમને સિસ્ટમમાં લાવવા માટે એક અનોખો કિમીયો અપનાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમણે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં પત્ની અને પુત્ર કેયુરના નામે ૧૫ જેટલા રિકરિંગ ડિપોઝિટ ખાતાઓ ખોલાવ્યા હતા. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ દરમિયાન આ ખાતાઓમાં નિયમિતપણે શંકાસ્પદ રોકડ જમા કરાવવામાં આવતી હતી. પરિવારના સભ્યોના બેંક ખાતાઓમાં કુલ ૫.૫૭ કરોડ જમા થયા હતા, જેમાંથી ૮૨.૮૭ લાખ માત્ર રોકડ સ્વરૂપે હતા. પીએમએલએ હેઠળ અત્યાર સુધી કુલ ૨૧.૬૧ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેમાં કિંમતી ચીજવસ્તુઓ સોનું, હીરા, ચાંદીના દાગીના, મોંઘી ઘડિયાળો અને વિદેશી ચલણ સ્થાવર મિલક્તમા બે પેટ્રોલ પંપ, વેરહાઉસ, બાંધકામ હેઠળની હોટલ, ફાર્મહાઉસ અને ખેતીની જમીન.ઉપરાંત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૨૮ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ગણાતા સાગઠિયા પર ગેરકાયદેસર સંચાલનને છાવરવાનો પણ આરોપ છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, પાપ છુપાવવા માટે સાગઠિયાએ સરકારી રજિસ્ટરોનો નાશ કરી નવા ખોટા રજિસ્ટરો બનાવ્યા હતા અને જૂના પત્રોમાં છેડા કર્યા હતા. નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪માં દાખલ કરાયેલ એસીબીની ૮૦૦ પાનાની ચાર્જશીટમાં સાગઠિયાની કાળી કમાણીનો વિગતવાર ચિતાર આપવામાં આવ્યો છે. હવે ઈડીની આ પૂરક ફરિયાદને કારણે સાગઠિયા દંપતીની મુસીબતોમાં મોટો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application