કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ઇડીએ ધરપકડ કરી છે. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની હેરાફેરી મામલે ધરપકડ કરાઈ છે. શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડિયાની ધરપકડ કરાઇ છે. બંનેની તપાસ કરવા ઇડીએ દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ઇડીની વિશેષ કોર્ટે આ બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલિન એસપી સહિત કુલ 14 આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં એસીબી કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી, જોકે આજીવન કેદની સજા સામે અપીલ કરી હતી જે પેન્ડિંગ હોય ત્યારે હાઇકોર્ટે કોટડિયાને આઠ જાન્યુઆરીએ શરતી જામીન મંજૂર કર્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં કરેલા બિટકોઇન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. આથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.
આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો હતો. સીઆઇડીએ અનંત પટેલ સહિત દસ પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.