ગઈકાલે પાકિસ્તાનની સંસદમાં એક રમુજી પણ સુરક્ષા ખામી સર્જાઈ હતી. ઉપલા ગૃહ, સેનેટનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક ગધેડો સંસદ ભવનમાં ઘૂસી ગયો હતો. તેને જોઈને સાંસદો હાસ્યમાં સરી પડ્યા હતા અને સુરક્ષા કર્મચારીઓ તેને બહાર કાઢવા દોડી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે મીમ્સનો મારો શરૂ થયો છે.
પાકિસ્તાન સેનેટના લાઈવ સત્ર દરમિયાન ગધેડાએ શરૂઆતમાં સંસદસભ્યોને ડરાવી દીધા હતા. તે એક થાંભલાથી બીજા થાંભલા સુધી દોડવા લાગ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ ગૃહમાં હાસ્યનો માહોલ છવાઈ ગયો હતો. સંસદસભ્યો અને અધ્યક્ષ યુસુફ રઝા ગિલાનીએ રમૂજથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
યુસુફ રઝા ગિલાનીએ મજાકમાં ટિપ્પણી કરી કે, પ્રાણીઓ પણ આપણા કાયદાઓ પર તેમના મંતવ્યો સાંભળવા માંગે છે. આનાથી સંસદસભ્યો હાસ્યમાં સરી પડ્યા અને થોડા સમય માટે હળવાશથી ટિપ્પણીઓ ચાલુ રહી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે ગધેડો નજીકના તબેલા અથવા અસુરક્ષિત કોરિડોરમાંથી પ્રવેશ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તેને પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફરીથી ઘૂસી ગયો અને આકસ્મિક રીતે કેટલાક સાંસદો સાથે ટકરાયો હતો.
સંસદમાં આ રીતે પ્રાણીનો પ્રવેશ સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરે છે. સંસદમાં કડક સુરક્ષા પગલાં હોવા છતાં, સુરક્ષા કર્મચારીઓ ગધેડાને રોકવામાં નિષ્ફળ ગયા. આનો અર્થ એ થયો કે ગધેડાએ સંસદની સુરક્ષાનો ભંગ કર્યો અને મુક્તપણે અંદર ફર્યો હતો.
આ પહેલો આ પ્રકારનો ભંગ નથી. 2023માં એક રખડતો કૂતરો પણ સંસદમાં ઘૂસી ગયો હતો, જેણે પાકિસ્તાનની સંસદીય સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. એપ્રિલ 2023માં, એક જંગલી સિવેટ બિલાડી (મૂઝ) તૂટેલા કાચ દ્વારા સંસદ કાર્યાલયમાં ઘૂસી ગઈ હતી. તે છત પરથી પડી ગઈ અને સ્ટાફને ડરાવવા લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં, સીડીએ સ્ટાફ તેને પકડવા માટે દોડી રહ્યો હતો. તેમણે તેને કપડાંથી ઢાંકી દીધો અને તેને પકડી લીધો હતો.