જામનગરની ગલી-ગલીમાં કૂતરાઓનો ત્રાસ બની રહ્યો છે આતંક

  • November 01, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું કામ ગુજરાત સરકાર આ ગંભીર મુદ્દે સર્વોચ્ચ અદાલત સમક્ષ જાહેર હિતની પીટીશન દાખલ કરી શકતી નથી?!: મેનકા ગાંધીએ મેળવેલા આદેશને શું હવે બદલવાનો સમય નથી?: કૂતરાઓને મારી નથી નાખવાના... માત્ર સ્થળાંતર કરવાનું છે: એક વર્ષમાં ૧૧પ૦૦ જેટલાં લોકોને કૂતરાં કરડ્યાં

લોકોના હિત, લોકોની સુરક્ષા વિચાર્યા વગર ગાંધી પરિવારની પુત્રવધૂ મેનકાએ શેરી-ગલીઓના કૂતરાઓને લઈને સુપ્રિમ કોર્ટમાંથી જે આદેશ મેળવી લીધો છે એ સમયે કદાચ સ્થિતિના અનુસંધાને તે બરાબર હશે, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી શહેરની શેરી-ગલીઓમાં કૂતરાઓનો ત્રાસ હવે જે આતંક બની રહ્યો છે તેને જોતાં એવું મહેસૂસ થાય છે કે, મેનકા ગાંધીએ લોકોના જીવની પરવા કર્યા વગર માણસોના હિતને નેવે મૂકીને કૂતરાઓને બચાવવાનો જે ઠેકો ઉપાડ્યો હતો તેની હવે ફેર વિચારણા થવી જોઈએ.
માનવ જિંદગીથી વધુ ઢોરની કિંમત હોઈ શકે નહીં... આ બાબત હવે મોટા પાયે ઉપાડવાનો સમય આવી ગયો છે અને ગાંધી પરિવારની દૂરંદેશી નજર વગરની પુત્રવધૂએ મેળવેલા આ ચૂકાની સામે હવે સુપ્રિમ કોર્ટની લાર્જર બેંચ સમક્ષ રીટ થવી જોઈએ, સુનાવણીઓ થવી જોઈએ, દલીલ થવી જોઈએ અને સર્વોચ્ચ અદાલતને હવે એ બાબત જણાવવી પડશે કે, શહેરી વિસ્તારમાં કૂતરાઓનો ત્રાસ એટલી હદે વકરી ગયો છે કે, લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે, માટે શહેરમાંથી કૂતરાઓનું સ્થળાંતર કરવું અનિવાર્ય છે.
જામનગર સહિતના ગુજરાત અને દેશભરમાં સરકારી ચોપડે નોંધાયેલા ડૉગ બાઈટના આંકડા સુપ્રિમ સમક્ષ મૂકવા જોઈએ, સર્વોચ્ચ અદાલતને એ હકીકતથી વાકેફ કરવી પડશે કે હવે શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાઓના કારણે લોકો પોતાની જિંદગી પણ ગૂમાવી રહ્યાં છે.
સો ટકા એ વાત સાચી છે કે કુદરતે આપેલા દરેક જીવને જીવવાનો અધિકાર છે અને કૂતરાઓને પણ જીવવાનો અધિકાર છે, પરંતુ એમનું સ્થળ જંગલમાં છે, શેરાન વગડાઓમાં છે, લોકોની વચ્ચે કૂતરાઓને મોટા પ્રમાણમાં રાખી શકાય નહીં.
પરિસ્થિતિ જે રીતે બગડી રહી છે તેને લઈને એવું હિતાવહ છે કે, શહેરની તમામ ગલીઓમાંથી કૂતરાઓને પકડીને જંગલમાં મુકત કરવામાં આવે, વેરાન વગડાઓમાં છોડવામાં આવે, અહીં એમને મારી નાખવાની કોઈ વાત જ નથી... માત્ર સ્થળાંતર કરવાનું છે. આ બાબત જ્યારે પણ ગંભીર પ્રકારે ઉઠે છે ત્યારે મહાનગર પાલિકા સહિતના લગત તંત્ર મેનકા ગાંધીએ કરેલી રીટ અને સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાને આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.
અરે... કાયદા લોકોની સુરક્ષા માટે બનતાં હોય છે, સંસદભવનમાં જૂના અનેક કાયદા બદલાયા છે, એવું નથી કે સુપ્રિમ કોર્ટે એક વખત આદેશ આપી દીધો એટલે હવે ફરી સર્વોચ્ચ અદાલત સમક્ષ આ મુદ્દો લઈ જઈ શકાય નહીં!
સુપ્રિમ કોર્ટની લાર્જર બેંચ પાસે ગુજરાત સરકાર શું કામ જાહેર હિતની પીટીશન દાખલ કરતી નથી? અને શું કામ સર્વોચ્ચ અદાલતને એ સચ્ચાઈ દેખાડવામાં આવતી નથી કે હવે શહેરી વિસ્તારોમાં કૂતરાઓના કારણે માણસોના જીવ જઈ રહ્યાં છે, માટે અગાઉ સર્વોચ્ચ અદાલતે જે ચૂકાદો આપ્યો છે તેમાં ફેર વિચારણા કરવાની જરુર છે, જેથી કરીને લોકો આ ત્રાસમાંથી મુક્તિ મેળવી શકે. કારણ કે, બાળકોની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઉભો થયો છે.
જામનગર શહેરમાં પશુઓનો ખૂબ જ ત્રાસ છે, હાઈકોર્ટના હુકમ બાદ સરકાર સફાળી જાગી ગઈ છે અને જામનગર સહિત આઠે’ય મહાનગર પાલિકામાં કલેકટર, કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આ ઝૂંબેશમાં તત્કાલિક પગલાં લેવા આદેશ કર્યો છે ત્યારે જામનગરમાં ઢોર પકડ ઝૂંબેશ વેગવાન બની છે, પરંતુ લોકોને ભારે રંજાડતાં કૂતરાઓ અવાર-નવાર રસ્તે ચાલતાં લોકોને કરડે છે અને એક જ વર્ષમાં સરકારી આંકડા મુજબ આશરે ૧૧પ૦૦ જેટલાં લોકોને કૂતરાએ બાઈટ કર્યા છે ત્યારે કોર્ટની ગાઈડલાઈન મુજબ શા માટે કોઈ પ્રકારની કાર્યવાહી કરાતી નથી? લોકો કૂતરાંથી પરેશાન છે અને હવે સત્તાધિશોએ કૂતરાં પકડની ઝૂંબેશ કરીને ખસ્સીકરણની પ્રવૃત્તિ પણ કરવી જોઈએ તેમ લોકોનું કહેવું છે.
જામનગર શહેરમાં કોઈપણ ગલી એવી નહીં હોય કે જ્યાં કૂતરાઓનો ત્રાસ નહીં હોય! એટલું જ નહીં, મોડી રાત્રે ૯થી ૧ર વાગ્યા દરમિયાન અનેક કૂતરાઓ બાઈકની પાછળ દોડે છે અને પગમાં બટકાં પણ ભરી લે છે!! લોકોને હૉસ્પિટલમાં જઈને ઈન્જેકશન લેવા પડે છે ત્યારે ઍવરેજ જોઈએ તો દર મહિને ૯૦૦ જેટલાં લોકોને કૂતરાં કરડી લે છે!
જીજી હૉસ્પિટલમાં કૂતરાં વિરુદ્ધની દવા પણ છે, પરંતુ આ માટે કોઈ નક્કર પગલાં લેવાની આવશ્યકતા છે. જો કૂતરાઓને પકડીને ગામ બહાર મૂકવાની કાર્યવાહી શરુ કરવામાં આવે તો લોકોને શ્ર્વાનના ત્રાસમાંથી મુક્તિ મળે. કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરવી જ જોઈએ, આ પ્રવૃત્તિ ઉપર સરકારે પણ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કંઈક નક્કર ઉકેલ આવે તે માટેના કડક પગલાં લેવા જોઈએ.
જામનગર શહેરમાં ધોળા દિવસે કૂતરાઓ લોકોને પરેશાન કરે છે અને સાંજ પડ્યે તો શહેરના મુખ્ય વિસ્તારોને બાનમાં લઈ લે છે! પરંતુ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોય લોકો ક્યાં સુધી ત્રાસ સહન કરશે? શહેરના ગાંધીનગર, પટેલ કોલોની, પંચવટી ગૌશાળા, વિકાસગૃહ રોડ, સ્વસ્તિક સોસાયટી, સરુસેકશન રોડ, ખોડિયાર કોલોની, મેહુલ સિનેમાવાળા રોડ, નવાગામ (ઘેડ), તીનબત્તી, રણજીત રોડ, શાક માર્કેટ, સાધના કોલોની, સેતાવાડ, દિગ્વિજય પ્લોટ, શંકર ટેકરી, સેન્ટ્ર બેંક રોડ, ઈવા પાર્ક, મચ્છરનગર, ધરારનગર સહિતના વિસ્તારોમાં અનેક કૂતરાઓ લોકોને ખૂબ જ પરેશાન કરે છે.
અગાઉ શ્ર્વાસ ખસીકરણની ઝૂંબેશ જેએમસી દ્વારા કરાઈ હતી, પરંતુ જ્યારે-જ્યારે કોઈપણ પ્રકારની ઝૂબેશ કરે... દા.ત. પશુઓ પર ટેગ લગાવવાની પ્રવૃત્તિ થોડો સમય કરાઈ બાદમાં બંધ કરી દેવાઈ, તે જ રીતે ખસ્સીકરણની ઝૂંબેશ થોડો સમય બાદ સ્ટોપ કરી દેવાઈ! હાલ સ્થિતિ બગડતી જાય છે, હાઈકોર્ટ કે અન્ય કોર્ટમાં જઈને કૂતરાંના ત્રાસથી લોકો પરેશાન છે તેનો કોઈ ઉકેલ આવે તે માટે કોર્ટનું પણ માર્ગદર્શન લેવું જરુરી છે. સરકારે આ દિશામાં પહેલ કરવી પડશે, જામનગર જ નહીં મોટા ભાગની મૉટા ભાગની મૅગા સિટીમાં કૂતરાઓનો ત્રાસ છે. કૂતરાના કરડવાથી લોકોના મોત થયાંના પણ દાખલા છે ત્યારે જામનગરમાં પશુ પકડ ઝૂંબેશની જેમ કૂતરાની કાર્યવાહી થાય તે માટે પણ વિચારવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application