ભલું કરી ભાંગો જંજાળ

  • June 07, 2022 04:42 PM 

આબધા લોકોને જલ્દી પૈસા કમાઈ લેવાની ઉતાવળ હોય. લોભને કોઈ થોભ ન હોય. આખો દિવસ કામમાં ને કામમાં રહે. ખાવા પીવાના કોઈ ઠેકાણાં ન મળે. પ્રોટીન શેક, મલ્ટી વિટામિન અને આયર્નની ટિકડીઓથી થાળી ભરે. રાતે મોડે સુધી પાર્ટી કરે અને સવારે ઊંઘ પૂરી થાય એ પહેલાં જાગીને જિમમાં ભાગે. ફિટનેસનું એવું ભૂત ચડ્યું હોય છે કે ગરાસ લૂંટાઈ જાતો હોય એમ એની પાછળ દોડે. પછી શું થાય? ચાલીસ-પચાસ વર્ષના થાય ત્યાં જ ફસકી પડે.


ચમકતી દમકતી દુનિયા, લખલૂટ પૈસો, દુનિયાભરના એશોઆરામ, દોમદોમ સાહ્યબી, પેઢીઓ સુધી સાથે રહે એવી જાહોજલાલી; એક સેલિબ્રિટીનું જીવન સામાન્ય માણસ માટે સ્વપ્નવત છે. પણ ખરેખર દેખાય છે એવી સમૃદ્ધિ હોય છે એમના જીવનમાં? પોતાની દુકાનસમા ચહેરાને, ગળાને, કલમને, ફિટનેસને જાળવી રાખવા સતત મહેનત કરવી પડે છે. એ પબ્લિક ટ્રાન્સપોર્ટથી કામની જગ્યાએ પહોંચે તો એનું કામ અટકી પડે. અંગત વાહનમાં કામે પહોંચવું એ તેમના માટે પાયાની જરૂરિયાત છે. જ્યાં તેઓ આરામ કરી શકે છે. બે વાહન બદલવાની કવાયતથી બચી શકે છે. અને ધક્કા અને હડદાથી બચી શકે છે. બીજા લોકો તેમની તોતિંગ આવક ધ્યાનમાં લે છે પણ ગાડીનું પેટ્રોલ કે ડ્રાઈવરનો પગાર અને બાર મહિને આપવું પડતું બોનસ ધ્યાનમાં નથી લેતા. એને ખાવાપીવામાં એટલું ધ્યાન રાખવું પડે છે કે એક્સપર્ટની મદદ વગર નથી જ ચાલતું. અને એ રાંધવા માટે પણ કોઈની મદદ નછૂટકે પણ લેવી પડે છે. એક સામાન્ય પરિવારની જેમ બધા એક જ સરખું નથી ખાતાં માટે ઘરની વ્યક્તિ કાયમ માટે એ સંભાળી શકે એ શક્ય નથી. કામનો કોઈ ચોક્કસ સમય નથી માટે ઘરકામ માટેની મદદ પણ કાયમી જોઈએ. જે માણસો ચોવીસ કલાક ઘરે રહેતા હોય એમના ખાવા રહેવાની વ્યવસ્થા કરવી પડે. સારી ગુણવત્તાનું કામ મેળવવા માટે અસિસ્ટન્ટ અને પીઆરના માણસો રાખવાના. અને સામાન્ય માણસો જેમ કંપ્નીમાંથી પર્સનલ લોન લેતા હોય તેમ તેમના માણસોને જરૂર પડયે લોન પણ આપવી પડે. ટૂંકમાં પોતાના પરિવાર સાથે એ સરેરાશ મધ્યમ વર્ગના લગભગ ચારથી પાંચ કુટુંબોનો ખર્ચ નિભાવતા હોય છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસ કામ મળે એ જરૂરી નથી અને કામ મળે એનું પેમેન્ટ પણ સમયસર થાય એ જરૂરી નથી. પણ રોજિંદા ખર્ચ તો ચાલ્યા જ કરવાના. આખા વર્ષમાં એક કે બે યોગ્ય કામ મેળવવા માટે બાકીના સમયે સતત રાહ જોવી, બજારમાં રહેવું અને મહેનત કરવી એ સરળ નથી. એ લોકો જાડી ચામડીના નહિ પણ વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહી શકે એ ગુણ ધરાવતા હોય છે. પોતે જે અનુભવતા હોય એ તાણને હકીકતમાં તો મેનેજ કરતા હોય છે પણ શરીર ઉપર અસર થવાની જ. આવા સમયે કામના સ્થળે આયોજકોએ યોગ્ય આયોજન ન કર્યું હોય તો એ ત્યાં કામ કરવાની ના પાડી જ શકે. પણ પોતાની કલામાં, રમતમાં, ક્ષેત્રમાં નિપુણતા મેળવવાની સાથે તેઓ જેમના પ્રેમથી ઊંચાઈ પર પહોંચ્યાં હોય એ ચાહકવર્ગને ભૌતિક કારણોથી શક્ય ત્યાં સુધી નિરાશ નથી કરતા.


પોતાનો સિતારો ચાલતો હોય એ સમયે દોડી દોડીને કામ કરવું જ પડે છે કારણકે તેમની સરકારી પેન્શનેબલ જોબ નથી જ્યાં દર મહિને પગાર મળ્યા જ કરશે. એમનું કામ તો આજે છે અને કાલે નથી પણ ઘર પરિવાર જવાબદારી તો કાયમ રહેશે જ. ભવિષ્ય માટે ભેગું કરવા કામ ન કરે તો કેમ ચાલે? અને દરેક વખતે કામ ફક્ત પૈસા માટે નથી થતું. કેટલાક કામ ઉત્સાહ જાળવી રાખવા અને નિજાનંદ માટેના હોય છે. બાકી તો મોટા ઉદ્યોગપતિઓ ખૂબ કમાયા છે, હવે  શી જરૂર છે તેમને કામ કરવાની? પણ વિચારો બધા જ ધનિકો કામ કરવાનું બંધ કરી દેશે તો તેમને ત્યાં કામ કરતા હજારો પરિવાર, દેશની ઇકોનોમી કેમ ચાલશે?


સેલિબ્રિટી જ નહિ દરેક સામાન્ય માણસ સારું કમાવા અને ભવિષ્યમાં પ્રગતિ કરવા માટે એક ટાઈમ બોમ્બ જેવું જીવન જીવે છે. એને પણ કામ પૂરું કરવા ઓફિસમાં મોડે સુધી બેસવું પડે છે. આપેલો ટારગેટ પૂરો ન થઈ શક્યો હોય તો  રાતે નવ-દસ વાગ્યાના કોન્ફરન્સ કોલમાં સભ્ય અને અસભ્ય વાકપ્રહારો સાંભળવા પડે છે. સવારે પેટ સાફ ન આવ્યું હોય તોયે લગભગ દોડીને કામે જવું પડે છે. ક્યારેક સદનસીબે રજા મળી જાય તો બે-પાંચ હજારના ખર્ચની વ્યવસ્થા કરી પરિવારને આનંદ કરાવવો પડે છે. દરરોજની ચાર-પાંચ ચા, બે-ત્રણ કે ક્યારેક તો આખા પેકેટ જેટલી સિગારેટ, લાંબા વર્ક શેડ્યુલ, ઘણું મથવા છતાં ઘર અને કામ વચ્ચેનું બગડેલું સંતુલન, કામની જગ્યાઓ પર થતાં વિજાતીય આકર્ષણ, ઓફિસ પોલિટિક્સ; આ બધાંથી  છેલ્લે નિષ્પતિ તો તાણની જ થાય છે. અને તેમના ગૃહલક્ષ્મી ઘરે જ રહેતા હોય તો તેમનું પણ તણાવભર્યું જીવન રહે છે. પતિ ઘરે મોડા આવે એટલે રસોડું મોડું આટોપાય. બાળકોને સવારે શાળાએ જવાનું હોય તેમનો નાસ્તો, પતિદેવનું ટિફિન તૈયાર કરવા ફરજિયાત વહેલા ઊઠવું પડે. નાનું-મોટું વર્ક ફ્રોમ હોમ કરતી હોય તો એ માટેની મહેનત, વડીલોની સતત હાજરી અને મી ટાઇમની ગેરહાજરી, સામાજિક વ્યવહારો નિભાવવા માટે વારંવાર પોતાની જાત સાથે કરેલા સમાધાન અને કદાચ કોઈપણ ભૌતિક અભાવ ન હોય તો પણ જીવનમાં અકારણ છવાઈ જતી શૂન્યતા અંતે તો તાણ જ પેદા કરે છે. અને હજી આપણે ઘરની બહાર જઈ ફુલ ટાઈમ કામ કરનારી મહિલાઓ માટે તો વાત જ નથી કરતા.


ટૂંકમાં કોઈપણ કામ હાથમાં લઈએ એટલે તેની સાથેનું સ્ટ્રેસ થોડે ઘણે અંશે આવે જ છે. અરે રસોઈ બનાવવામાં અડધો કલાક મોડું થઈ જાય તો પણ સ્ટ્રેસ આવી જાય છે. ઉંમરની, પદની જે અવસ્થામાં હોય તેને અનુરૂપ તાણ લેવાની સેલિબ્રિટીને જ નહિ બધાને આદત પડતી જાય છે. પ્રિયાએ ઓનલાઈન હોવા છતાં મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો, પેપર સારું તો જશે ને, નોકરી મળી તો જશે ને, ઓફિસે સમયસર પહોંચી તો જવાશે ને, પ્રસંગ સારી રીતે પાર પડશે ને, આ વરસે સારું બોનસ તો મળશે ને, કામવાળા બેન રજા તો નહિ રાખે ને, ફ્લાઈટ મોડી નહિ પડે ને; કેટલા પ્રશ્નો છે જીવનમાં જે બિનજરૂરી તાણ ઊભી કરે છે.

તાણને સદંતર દૂર કરવી શક્ય નથી પણ તેને વધતી અટકાવી શકાય. શરીરને જે માફક આવે એ પ્રમાણસર ખાવું. ચિંતા તો વજનની પણ ન કરવી. દિવસ દરમિયાન એકાદ જાદુની ઝપકી લઈ લેવી. સરખું કે ઠીકઠીક, જેવું આવડે એવું પાંચ-દસ મિનિટનું ધ્યાન ધરવું. કામમાં, પ્રેમમાં કે વ્યવહારમાં ક્ષમતાથી વધારે ખેંચાવું નહિ. અંગત પરિવારજનો અને ત્યાં સુધી કે જીવનસાથીના જીવન પર પણ બિનજરૂરી અંકુશ ન રાખવો. સૌને પોતાની રીતે જીવવાની મોકળાશ આપવી. પૈસા હાથનો મેલ હોય તો હાથને થોડાક મેલા જ રાખવા. ફક્ત નિજાનંદ માટે પ્રવૃત્ત રહી શકો એવી એકાદ કલા કે વ્યાયામમાં રસ લેવો. બહુ લાંબા પ્લાનિંગ ન કરવા. ડોક્ટર, દરજી અને બાળકોની શાળા બને ત્યાં સુધી ઘરની નજીક રાખવા. વારંવાર ઊભી થતી નાની-નાની સ્વાસ્થ્ય તકલીફો માટે એકાદ વખતના ક્ધસલ્ટેશનનો ખર્ચ કરી લેવો. પ્રયત્નો પૂરા કરવા પણ સફળ ન થવાય તો ફરી પ્રયત્નો કરવા.
કોઈ અમરપદ લખાવીને નથી આવ્યું. માટે સવારે આંખ ખુલે તો અરીસામાં કે મોબાઈલના સેલ્ફી કેમેરામાં જોઈને પોતે જ પોતાને કહી દેવું,‘‘ અદ્દભૂત છે, અદ્દભૂત રહેજે.‘‘
નેનો ફોલ્ડ:
તું આજકાલ શું કરે છે?
નકામી ઉપાધિથી આઘી રહું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application