BREAKING NEWS

જામનગર : આખરે..ધુંવાવથી ઓવરબ્રીજના ખખડધજ માર્ગનું સમારકામ શરૂ

  • November 17, 2025 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા ધુંવાવથી ઓવરબ્રીજના હાડકા ખોખરા કરતા માર્ગનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. વરસાદથી આ માર્ગનું ધોવાણ થતાં મગરની પીઠ બનતા આવાગમન દુષ્કરથી જીવલેણ અકસ્માતની ભીતિથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતાં. જો કે, આ અંગે આજકાલમાં તસ્વીર સાથે પ્રસિઘ્ધ થયેલા અહેવાલ બાદ મનપાનું તંત્ર જાગ્યું હતું અને આ માર્ગનું કામ શરૂ થયું છે.


જામનગરથી રાજકોટ જવા માટે ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ થઇને જતો માર્ગ મુખ્ય છે. આ માર્ગ ૨૪ કલાક ટ્રાફીકથી ધમધમતો રહે છે. આટલું જ નહીં આ માર્ગ પર વાહનોના શો-રૂમ તથા અન્ય વ્યવસાયિક એકમો આવેલા છે. એટલે સ્વાભાવિક રીતે શહેરીજનો પણ આ માર્ગ પરથી પસાર થતા હોય છે. પરંતુ આ માર્ગ પર ધુંવાવથી ઓવરબ્રીજ સુધીનો રસ્તો મગરની પીઠ કરતા પણ બદતર બન્યો છે. કારણ કે, આ માર્ગ ૨ થી ૩ ફુટથી વધુના ગાબડા પડયા છે. નાના ખાડા તો ગણી શકાય તેમ નથી. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોના હાડકા ખોખરા કરી રહ્યો છેે.  આ અંગે ૪ નવેમ્બરના આજકાલ દૈનિક દ્રારા તસ્વીર સાથે અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો. 
​​​​​​​

આ અહેવાલ બાદ મહાનગરપાલિકાનું તંત્ર ઉંઘમાંથી સફાળું જાગ્યું છેે અને આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ૨૪ કલાક ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પર ખાડાઓની હારમાળાના કારણે સાયકલથી પણ ધીમી ગતીએ વાહન ચલાવવા મજબૂર બનેલા વાહન ચાલકોએ હાશકારાની લાગણી અનુભવી છે. ત્યારે આ માર્ગનું સમારકાર ગુણવતાયુકત અને લાંબો સમય ચાલે તે રીતે કરવામાં આવે તે માંગણી શહેરીજનોમાં ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application