જૂની કલેકટર કચેરી પૂરવઠા વિભાગમાં ધમાલ, પોલીસ દોડી ગઈ

  • September 24, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં પુરવઠા વિભાગ હસ્તકની રેશનીંગ કાર્ડની કામગીરીમાં સમયાંતરે ગ્રહણ લાગ્યા કરે છે.  ફરી બે દિવસથી સર્વર ડાઉનની સમસ્યા ઉભી થતાં રેશનીંગ કાર્ડધારકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. ધકકા ખાનારા અરજદારો, મહિલાઓએ આજે સર્વર ડાઉનની મુશ્કેલીથી કંટાળી આજે કંટ્રોલ ગુમાવ્યો હતો. કચેરીમાં ધમાલ મચાવી દીધી હતી. સ્થિતિ વણસતી દેખાતા તુર્ત જ પોલીસની મદદ માગવામાં આવી હતી. પ્ર.નગર પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ધમાલ મચાવનારા રેશનીંગ કાર્ડ ધારક મહિલા–પુરૂષોને સમજાવીને મામલો થાળે પાડયો હતો.
જુની કલેકટર કચેરી ઝોન–૧માં રેશનીંગ કાર્ડ કેવાયસીની કામગીરી માટે રેશનકાર્ડ ધારકો બે દિવસથી ધકકા ખાઈ રહ્યા છે. ગઈકાલે કેવાયસી માટે આવેલા કાર્ડ ધારકોને ટોકન નંબર અપાયા હતા પરંતુ સર્વર ડાઉન હોવાથી કામગીરી થઈ શકી ન હતી અને અરજદારોએ લાઈનમાં કલાકો બેસવું પડયું હતું. આવતીકાલે આવજો તેમ કહીને અરજદારોને વળાવી દેવાયા હતા. આજે કેવાયસી કામગીરી માટે રેશન કાર્ડ ધારકો પુર્વની ઝોનલ શાખામાં પહોંચ્યા હતા. રાબેતા મુજબ ટોકન આપવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલની સર્વર ડાઉનની સમસ્યા આજે પણ જૈસે થે જેવી જ રહી હતી. કચેરી ખુલ્યા પહેલા સવારથી જ અરજદારો લાઈનમાં ઉભા રહી ગયા હતા. કચેરી ખુલ્યા બાદ સમયસર રેશનીંગ કાર્ડ કેવાયસીની કામગીરી ચાલુ થઈ ન હતી.
સવારે પુરવઠા વિભાગના સ્ટાફ દ્રારા સર્વર ડાઉન છે, જે રાબેતા મુજબ કાર્યરત થયા બાદ કેવાયસીની કામગીરી થઈ શકશે તેવો જવાબ અરજદારોને અપાતો હતો. સર્વર રૂટીન પ્રક્રિયામાં આવે તેની રાહમાં અરજદારો તડકામાં લાઈનમાં બેઠા રહ્યા હતા. અંતે સ્ટાફ દ્રારા સર્વર ડાઉન હોવાથી કામગીરી અત્યારે શકય નથી તેવું જણાવતા રેશનીંગ કાર્ડ ધારકો ખાસ તો નાના બાળકોને લઈને ધકકા ખાનારી મહિલાઓમાં ભારે રોષ ઉભર્યેા હતો. કચેરી ખાતે દેકારો બોલાવી દીધો હતો. એક તબકકે અંદર રૂમ સુધી ધસી જઈ હો–હા કરી હતી. ધમાલના પગલે તુર્ત જ પોલીસને જાણ કરાઈ હતી. પ્ર.નગર પોલીસ દોડી આવી હતી. દેકારો કરનાર ટોળામાં મહિલાઓ હોવાથી મહિલા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે થોડુ કળ અને બળ વાપરીને નારાજ થયેલી મહિલાઓ, રેશનકાર્ડ ધારકોને શાંત પાડયા હતા. ઝોનલ કચેરીએથી રવાના કર્યા હતા. અવારનવાર સર્વર ડાઉન થઈ જવાથી પુરવઠા વિભાગના સ્ટાફે વિના કારણે રોષનો ભોગ બનવું પડયું હોવાથી સ્ટાફમાં પણ સર્વર ડાઉનની સમસ્યાથી નારાજગી વ્યાપી છે.
રેશનીંગ કાર્ડમાં કેવાયસી ન થઈ હોય ત્યાં સુધી દુકાનદાર અનાજ પુરવઠો ફાળવતા નથી અને જેને લઈને રેશનીંગ કાર્ડ ધારકો કેવાયસી કરવા માટે કચેરીએ આવ્યા હતા પરંતુ સર્વર ડાઉન હોવાથી આધાર લીંકઅપ થઈ શકતા નથી અને આ કારણોસર અંત્યોદય કાર્ડ ધારકોને રેશનીંગ પુરવઠો મળતો નથી જેથી કાર્ડ ધારકોમાં રોષ વ્યાપી ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application