BREAKING NEWS

ચીનમાં વિનાશક ભૂકંપઃ બે લોકોના મોત, 13 ઈમારતો જમીનદોસ્ત, સાત હજારનું સ્થળાંતર

  • May 18, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ગુઆંગ્શી સ્વાયત્ત પ્રદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ અચાનક આવેલી કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોતના સરકારી સમાચાર સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે જ્યારે લોકો ભરઊંઘમાં હતા ત્યારે પૃથ્વી ધ્રુજી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. 13 ઈમારતો ધરાશાયી થઈ છે. જ્યારે સાત હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સેંકડો લોકો પોતાના જીવ બચાવવા માટે અડધી રાત્રે જ ઘરની બહાર નીકળીને રસ્તાઓ અને ખુલ્લા મેદાનો તરફ દોડી આવ્યા હતા.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટેલિવિઝન ચેનલ સીસીટીવીના સત્તાવાર અહેવાલો અનુસાર, ગત રાત્રે ૧૨:૨૧ વાગ્યે ભૂકંપનો આ શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. વૈજ્ઞાનિક માપદંડ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જણાવ્યા મુજબ, આ આંચકો લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે નોંધાયું છે. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી જમીનની અંદર માત્ર આઠ કિલોમીટરની ઊંડાઈએ જ હતું. કેન્દ્રબિંદુ સપાટીની અત્યંત નજીક હોવાના કારણે આંચકાની વિનાશકતા ઘણી વધારે હતી અને લોકોને તીવ્ર આંચકાનો અહેસાસ થયો હતો.

ભૂકંપ એટલો પ્રચંડ હતો કે તેના દબાણના કારણે પળવારમાં જ ૧૩ મોટી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા અનેક કાચા-પાકા ઘરો અને અન્ય રહેણાંક બિલ્ડિંગોની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હતી અને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પ્રદેશની ગંભીર પરિસ્થિતિ અને જર્જરિત મકાનોના જોખમને જોતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે કટોકટીના પગલાં લીધા હતા. કોઈ મોટી જાનહાનિ ન થાય અને સંભવિત જોખમને ટાળી શકાય તે હેતુથી અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૭૦૦૦ થી વધુ લોકોને યુદ્ધના ધોરણે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આ તમામ વિસ્થાપિતો માટે અસ્થાયી રાહત શિબિરો (રીલીફ કેમ્પ) શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને રહેવા, ખાવા-પીવા અને તબીબી સારવાર સહિતની તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


આવડી મોટી કુદરતી આપત્તિ બાદ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કોઈ મોટી ટ્રેન દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રદેશની તમામ રેલ લાઇનોની સુરક્ષા તપાસ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ભૂકંપના કારણે ટ્રેનના પાટાઓને કોઈ નુકસાન થયું છે કે કેમ તેની બારીકાઈથી ચકાસણી ચાલી રહી હોવાથી આ રૂટ પર ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રક (શિડ્યુલ) ખોરવાઈ ગયા છે, જેના કારણે રેલ્વે મુસાફરોને મુસાફરીમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.




ઇમારતોના કાટમાળ હેઠળ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દ

બાયા હોવાની આશંકા છે, જેમને બહાર કાઢવા માટે સ્થાનિક બચાવ ટુકડીઓ (રેસ્કયૂ ટીમ) આધુનિક સાધનો સાથે સતત કામે લાગેલી છે. અકસ્માત અને કાટમાળની ચપેટમાં આવી જવાથી ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તેમની સ્થિતિ ભય બહાર છે. જોકે, ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ માટે હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application