ખંભાળિયાના 14 વર્ષ પૂર્વેના લાંચ રૂશ્વતના કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેરને ત્રણ વર્ષની સખત કેદ

  • October 19, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 15,000 નો દંડ ફટકારતી એડિશનલ સેશન્સ અદાલત




ખંભાળિયામાં વર્ષ 2009 માં પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 30,000 ની માંગણી કરતા આ સંદર્ભે લાંચના ગોઠવાયેલા છટકામાં તેઓ રંગે હાથ સપડાઈ ગયા હતા. જે અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા કોર્ટે નાયબ ઈજનેરને ત્રણ વર્ષની સખત કેદ તેમજ રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.



        આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટનું કામ કરતા જય દ્વારકાધીશ કન્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર દ્વારા ખંભાળિયા પંથકના નવી ફોટ, જુની ફોટ, ખોખરી વિગેરે ગામોમાં પાણીની પાઇપલાઇન નાખવાનો પેટા કોન્ટ્રાક્ટ મેળવી અને આ પ્રકરણના ફરિયાદીએ જય દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન નામથી રાખેલા કામમાં તેઓએ નર્મદા યોજના હેઠળ પાઇપલાઇનના બિલો કચેરીમાં રજૂ કર્યા હતા.



     આ કામના બાકી રહેલા તેમના અંતિમ બિલ માટે ખંભાળિયાની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના નાયબ કાર્યપાલક સુરેશ મોહનભાઈ પટેલ દ્વારા તેમનું કામ જલ્દીથી કરી દેવા માટે રૂપિયા 30,000 ની માંગણી કરવામાં આવી હતી. જેથી આ પ્રકરણના ફરિયાદી દ્વારા પ્રથમ 5,000 રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂપિયા 25,000 15-20 દિવસમાં આપી દેવા જણાવ્યું હતું. આ સોદા દરમિયાન ફરિયાદીના મિત્ર પણ તેમની સાથે હતા.



       આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર એ.સી.બી. વિભાગને ફરિયાદ કરવામાં આવતા આના અનુસંધાને ટ્રેપિંગ અધિકારી જે.જે. ધ્રાંગા દ્વારા 05-09-2009 ના રોજ બે સરકારી પંચોની ઉપસ્થિતિમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.



      આ છટકામાં ફરિયાદીના ઈસારે સાંજના સમયે એ.સી.બી. કર્મચારીઓએ સુરેશ મોહનભાઈ પટેલને રૂ. 10,000 ની લાંચ સ્વીકારી, આ રકમ પોતે પહેરેલા ડાબા ખિસ્સામાં મુકતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એ.સી.બી. પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


     આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં પંચો તેમજ સાહેદોની તપાસ તેમજ તપાસનીસ અધિકારીની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખી, જજ શ્રી વી.પી. અગ્રવાલએ આરોપી સુરેશ મોહનભાઈ પટેલને તકસીરવાન ઠેરવી, જુદી-જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application