નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે એક આશ્ચર્યજનક અને પ્રશંસનીય કડક સૈન્ય જેવી કાર્યવાહી સામે આવી છે. વિશ્વપ્રસિદ્ધ પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નજીક સરકારી નિયમોનો સરેઆમ ભંગ કરીને બનાવવામાં આવેલા ઉચ્ચ સરકારી અધિકારીઓના ગેરકાયદેસર મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કાયદો અને નિયમો બધા માટે સમાન છે તેવો કડક સંદેશ આપતા વહીવટી તંત્રએ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
૨૦૧૯માં ફાળવાયેલા પ્લોટમાં શરતોનું ઉલ્લંઘન સામે આવ્યું
મળતી વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૯માં તંત્ર દ્વારા ગરુડેશ્વર ખાતે ૧૩ ઉચ્ચ અધિકારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ વહીવટી તપાસમાં બહાર આવ્યું હતું કે આ ૧૩ પૈકીના ૭ અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે નક્કી કરવામાં આવેલી સરકારી શરતો અને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને મકાનોનું બાંધકામ ખડકી દીધું હતું. આ ગેરરીતિ સામે આવતા જ ઉચ્ચ સ્તરેથી કડક પગલાં લેવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા.
શાંતિપૂર્ણ માહોલમાં 5 આલીશાન મકાનો જમીનદોસ્ત કરાયા
આ ગેરકાયદે બાંધકામ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તંત્રએ તાબડતોબ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં શરતભંગ કરનારા ૭ પૈકીના ૫ મકાનોને બુલડોઝરની મદદથી તોડી પાડીને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવા ડિમોલિશન વખતે ભારે હોબાળો કે વિરોધ પ્રદર્શન થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ઉચ્ચ અધિકારીઓ સામેના આકરા પગલાં હોવા છતાં કોઈપણ પ્રકારના વિરોધ વિના સમગ્ર કામગીરી અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતા બાંધકામો સામે પણ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.