ખંભાળિયા નગરપાલિકા દ્વારા કરાતા (કથિત બિનજરૂરી) ખર્ચાના હિસાબો રજૂ કરવા માંગ

  • April 29, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવક અને ખર્ચાની વિગતનો હિસાબ આપો: સફાઈ કામદાર મહામંડળ



ખંભાળિયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં મહેકમ ખર્ચમાં વધારો થવાના કારણે પાલીકાના કર્મચારીઓને મળવા પાત્ર સાતમા પગાર પંચનો વધારો પરત ખેંચવા સત્તાવાહકો દ્વારા કરવામાં આવેલા હુકમ બાદ ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા ચોક્કસ અધિનિયમ હેઠળ નગરપાલિકાના ખર્ચના હિસાબો આમ જનતાની જાણકારી અર્થે પ્રસિદ્ધ કરવા માટેની માંગ કરવામાં આવી છે.


ખંભાળિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રકારના ખર્ચાઓના કારણે નગરપાલિકાનું મહેકમ ખર્ચ વધી ગયું હોવાનું જણાવી અને ચીફ ઓફિસર દ્વારા પાલિકાના કર્મચારીઓને સાતમા વેતન પંચ મુજબના પગારો પરત ખેંચવા અંગેનો દફતરી હુકમ કરાયો હતો. જેની સામે ગુજરાત સફાઈ કામદાર મહા મંડળના નેજા હેઠળ કર્મચારીઓએ હાઇકોર્ટમાં જઈ અને આ હુકમ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો અને આ જ્યુડીશીયલ મેટર હાલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે.


આ વચ્ચે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવી અને ખંભાળિયા નગરપાલિકાના વર્ષ 2023-24 દરમિયાન ત્રિમાસિક તથા વાર્ષિક આવક અને ખર્ચના હિસાબો ગુજરાત નગરપાલિકા અધિનિયમની ચોક્કસ કલમની જોગવાઈ હેઠળ નગરજનોની જાણકારી અર્થે પ્રસિદ્ધ કરવાની માંગ કરી છે. નગરપાલિકામાં મહેકમ ખર્ચ વધવાના કારણો જાણવાનો નગરપાલિકાના કર્મચારીઓને પણ બંધારણીય અધિકાર છે તેમ જણાવી અને ઉપરોક્ત હિસાબો ત્વરિત પ્રસિદ્ધ કરવામાં આવે અને તે અંગેની જાણ મહા મંડળને કરવા પણ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application