જામનગર સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ત્રાટકેલા કમોસમી વરસાદે વધુ એક વખત ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. ખેતરોમાં ઉનાળુ પાક વાવેતર થયેલું છે. આવા સમયે કમોસમી કહેર વરસતા તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થયું છે. આથી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી જામનગર જિલ્લાના જામજોધપુર ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.
ધારાસભ્ય હેમંત ખવા વધુ એક વખત ખેડૂતોની વ્હારે આવ્યા છે. મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને લઈ વરસાદ પડતા ખેડૂતોના ઉભા તેમજ તૈયાર થયેલા પાકોને વ્યાપક નુકસાન થયું છે.
વરસાદ વેરી બનતા તલ, મગ, બાજરી અને અન્ય ઉનાળુ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. વરસાદને લઈ પાક ખેદાન મેદાન થઈ ગયા છે. બીજી બાજુ બાગાયતી પાકો જેવા કે કેરી, લીંબુ, દાડમને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. જગતના તાતે મોંઘા બિયારણ અને મજૂરી મહેનત કરી તૈયાર કરેલો સોના જેવા પાક પર વરસાદ વેરી બનતા ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઇ છે. આથી ખેડૂતોની મોઢે આવેલો કોળીયો છીનવાયો છે. પાક નિષ્ફળ જતા ધરતીપુત્રોએ વર્ષ દરમિયાન પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે વિચાર માત્રથી બિહામણુ દ્વાય ઉભુ થાય છે.ગુજરાત ખેતી પ્રધાન હોવાથી ખેડૂતો આપણી અર્થવ્યવસ્થાની રીઢ છે. આવી કુદરતી આફતના સમયે તેમની સહાય કરવી એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. આ નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો વતી અમારી માંગ છે.
ધારાસભ્ય હેમંતભાઈએ માંગ કરી કે તાત્કાલિક સર્વેની વ્યવસ્થા કરવામાં આવે. નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે જેથી ખેડૂતોના નુકસાનનો ચોક્કસ અંદાજ મેળવી શકાય. વધુમાં સર્વેના આધારે ખેડૂતોને યોગ્ય અને પર્યાપ્ત વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ આ આર્થિક આધાતમાંથી બહાર આવી શકે. એટલું જ નહિ ખેડૂતોની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠાવાઈ છે.