જિલ્લા ભાજપ પ્રમુખ પદ રાજકોટ સંસદીય વિસ્તારમાં આપવા માગ

  • January 10, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિતના ૨૪ દાવેદારોએ દાવેદારી રજૂ કર્યા બાદ બન્ને જૂથો દ્રારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરાઇ રહ્યું છે, દરમિયાન અમુક દાવેદારો દ્રારા તાજેતરમાં પ્રદેશ નેતાઓ સમક્ષ એવી નવતર માંગ રજૂ કરાઈ હતી કે પ્રમુખ પદ જેને આપવું હોય તેને આપો પરંતુ રાજકોટ લોકસભા મત વિસ્તાર મતલબ કે રાજકોટ સંસદીય મત વિસ્તાર હેઠળના દાવેદારને આપો.
પ્રદેશ ભાજપ સમક્ષ દાવેદારોના એક જૂથએ કરેલી રજુઆતમાં એવો તર્ક રજૂ કરાયો હતો કે છેલ્લી બે ટર્મથી પોરબંદર લોકસભા મત વિસ્તાર હેઠળના આગેવાનને રાજકોટ જિલ્લા ભાજપનું પ્રમુખ પદ અપાઇ રહ્યું છે, હાલના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ગોંડલના છે અને તે પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે, તેની અગાઉના પ્રમુખ મનસુખ ખાચરિયા જેતપુરના હતા તે પણ પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આગામી દિવસોમાં થનારી નિયુકિતમાં રાજકોટ જિલ્લા ભાજપનું પ્રમુખ પદ રાજકોટ લોકસભા મત વિસ્તાર હેઠળના કોઇ દાવેદાર કે આગેવાનને આપવામાં આવે તેવી બુલદં માંગ રજૂ કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર, રાજકોટ તાલુકો અને રાજકોટ જિલ્લો ત્રણેયના ભાજપ પ્રમુખ પદનો મમલો ગોટે ચડી ગયો છે અને હવે કયારે નામ જાહેર થશે તે કોઇ કહી શકે તેમ નથી, નામો જાહેર થયા પછી પણ જો અણધાર્યા નામો સામે આવશે તો અસંતોષની આગ વધુ તીવ્ર બનશે તે નક્કી છે તેવું પક્ષના જ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application