મેટોડામાં નિવૃત ફૌજી પરના હુમલો કરનાર ટોળકી સામે આકરી કાર્યવાહીની માગ

  • April 28, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેટોડામાં ત્રણ દિવસ પહેલા રાત્રીના ડીજે બંધ કરવા બાબતે કહેવા જતા નિવૃત ફૌજીના ઘર ઉપર પથ્થર મારો કરી, તલવાર, પાઇપ ધોકાથી હલ્લાબોલ કરી નિવૃત ફૌજી ઉપર હિચકારો હુમલો કર્યા બાદ પડોસીના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ટોળકી વિસ્તારમાં માથાભારે અને અસામાજિક પ્રવૃત્તિ કરતી હોવાથી તેની સામે આકરી કાર્યવાહી કરવા અને વિસ્તારમાં આવા બનાવો છાસવારે બનતા હોવાથી માથાભારે તત્વો સામે આકરી કાર્યવાહી કરવા ભોગ બનનાર નિવૃત ફૌજી સહીત વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે પહોંચી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને આવેદન આપી રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, મેટોડા જીઆડીસી ગેટ નં.2માં શ્રીનાથજી પાર્કમાં રહેતા રાજાભાઈ બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.59) નામના નિવૃત ફૌજી ગત તા.25ના રાત્રીના ઘરે હતા ત્યારે પડોસમાં રાત્રીના સમયે મોટા અવાજે અવિનાશ જોન સહિતના ડીજે વગાડતા હોવાથી તેને ડીજે ધીમું વગાડવા અને કા તો બંધ કરી દેવાનું કહી પ્રૌઢ ઘરે ચાલ્યા ગયા હતા. પાછળથી અવિનાશ, યાજ્ઞિક, ધવલ, કેવલ, ભરત સહિતના શખસોએ ધોકા-પાઇપઅને પથ્થરો વડે નિવૃત ફૌજીના ઘર ઉપર હલ્લાબોલ કરી હુમલો કર્યો હતો. પ્રૌઢ બહાર નીકળતા તેની ઉપર આ શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડતા ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે પોલીસને જાણ કરી કરતા પોલીસ ફરિયાદીના ઘરે જવાની બદલે આરોપીના ઘરે ગઈ હતી, આ શખ્સો બુટલેગરો અને માથાભારે શખ્સો હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરવા અમારી માગણી છે. પોલીસ ગુજરાતમાં દારૂ બંધી છે એ બંધ નથી કરાવી શક્તિ પરંતુ જનતા ઉપર હુમલા ના થાય એટલી તકેદારી રાખે તો પણ ઘણું છે. આવા સખ્સોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેમજ આવનારા દિવસોમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ના છૂટકે સામાજિક લેવલે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે તેમ પોલીસની કામગીરી સામે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application