અમરેલીમાં બ્રોડગેજની માગ બુલંદ બની, સોશિયલ મીડિયા અભિયાન હેઠળ રજૂઆતો કરાશે

  • August 01, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં હવે રેલવેની બ્રોડગેજ સુવિધાને લઈને માંગ બુલંદ થઇ રહી છે.ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના વતન અમરેલીમાં જ આજ સુધી અનેક માંગણીઓ કરવા છતાં પણ જિલ્લા લેવલના સેન્ટર પર બ્રોડગેજની સુવિધા ન આપવામાં આવતા સોશિયલ મીડિયાના માધ્યમથી શરુ થયેલ અભિયાને વેગ પકડ્યો છે અને આગેવાનો દ્વારા રેલવેની બ્રોડગેજ સુવિધા આપવાની માંગ કરવામાં આવી રહી છે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અમરેલીમાં શરુ થયેલ અમરેલી માંગે બ્રોડગેજ નામના સોશિયલ મીડિયાના અભિયાન થકી એકઠા થઈને બિન રાજકીય  આગેવાનો દ્વારા બ્રોડગેજ લાઈનની માંગ કરવામાં આવી રહી છે.અમરેલીમાંથી મોટા ભાગની જનતા મોટા શહેરો અને વિદેશમાં વસવાટ કરે છે જેથી સતત લોકોની અવર-જવર મોટા શહેરોમાં રહે છે.આ ઉપરાંત અમરેલીને બ્રોડગેજ સુવિધા મળે તો અનેક વહેવારો સરળ બનશે તેમજ વેપારીઓને પણ મોટો ફાયદો મળશે.છેલ્લા ઘણા સમયથી અમરેલીના લોકો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી બ્રોડગેજ સુવિધાથી અમરેલી વંચિત છે.તેવામાં આ અભિયાનના નેજા હેઠળ અમરેલીમાં રેલવે સ્ટેશન ખાતે ૨૫ થી વધુ આગેવાનો દ્વારા અભિયાન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેવી રીતે બ્રોડગેજ લાઈન માટે રજુઆત કરવી તે અંગે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.


મિશન બ્રોડગેજ અમરેલી હેઠળ જિલ્લા કલેકટર,સાંસદ,પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર,રેલવે મંત્રી,પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ કે ભારતના રાષ્ટ્રપતિ સુધી જ્યાં રજુઆત કરવી પડે તે તમામ જગ્યાએ બિનરાજકીય સંગઠન રજુઆત કરશે તે નક્કી કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આગામી દિવસોમાં અમરેલી જિલ્લા કલેક્ટરને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અમરેલીની ઘણી બધી સંસ્થાઓ પણ આ મિશનમાં જોડાવવા તૈયાર છે તો તમામના સહકારથી કામગીરી કરવાનું નક્કી કરાયું હતું.તો આ મિશનને લઈને આગામી દિવસોમાં ટીમ પણ જાહેર કરવામાં આવશે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application