BREAKING NEWS

દિલ્હી અગ્નિકાંડ એક જ પરિવારના છ સભ્યોને ભરખી ગયો, પિતાની સારવાર માટે આવ્યા'તા, હોટલમાં રોકાયા ને આગમાં હોમાયા

  • June 03, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની રાજધાની દિલ્હીની એક હોટલમાં વહેલી સવારે અચાનક ફાટી નીકળેલી ભયાનક આગને કારણે ભારે અફરાતફરી અને ગમગીનીનો માહોલ સર્જાયો છે. આ ભીષણ અકસ્માતમાં એક જ હસતા-રમતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગુરુગ્રામના રહેવાસી વિવેક અગ્રવાલ અને તેમની વ્હાલસોયી પુત્રી જીવીશાનું આ અગ્નિકાંડમાં ગૂંગળામણ અને દાઝી જવાને કારણે દુઃખદ અવસાન થયું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હોસ્પિટલની બહાર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે.


પિતાની નાદુરસ્ત તબિયતના કારણે હોટલમાં રોકાયો હતો પરિવાર

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુરુગ્રામના વિવેક અગ્રવાલ તેમના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને મળવા માટે દિલ્હી આવ્યા હતા. તેમના પિતા હાલ દિલ્હીની જાણીતી મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. પિતાની સારવાર લાંબી ચાલવાની હોવાથી વિવેક અગ્રવાલ તેમની પત્ની અને બે પુત્રીઓ સાથે હોસ્પિટલની નજીક આવેલી આ હોટલમાં રોકાયા હતા. દુર્ભાગ્યે, આજે સવારે વિવેક અગ્રવાલના કાકા અને કાકી પણ તેમને તથા પરિવારને મળવા માટે ખાસ હોટલ પર આવ્યા હતા, અને તેઓ પણ આ કાળમુખી આગની ચપેટમાં આવી ગયા હતા.


એક જ પરિવારના ૬ સભ્યોના મોતથી અરેરાટી

આ ગોઝારા અકસ્માતમાં વિવેક અગ્રવાલ, તેમની પુત્રી જીવીશા, કાકા અને કાકી સહિત અગ્રવાલ પરિવારના કુલ છ સભ્યોના કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. એકસાથે ઘરના ૬ સભ્યોના હોમાઈ જવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સગા-સંબંધીઓ અને પરિચિતો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર દોડી આવેલા પીડિતોના સંબંધીઓ આ આઘાત સહન ન કરી શકતા ભારે આક્રંદ વચ્ચે બેભાન હાલતમાં સરી પડ્યા હતા. ત્યાં હાજર તબીબો અને અન્ય લોકો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.


ફાયર બ્રિગેડની ટીમોએ ૩૭ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

આગના બનાવ અંગે વિગત આપતા દિલ્હીના ફાયર ઓફિસર એ.કે. મલિકે જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમને સવારે બરાબર ૮:૫૦ વાગ્યે હોટલની ઇમારતમાં આગ લાગી હોવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં શરૂઆતમાં તાત્કાલિક સાત ફાયર એન્જિન (લાશકરો)ને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જો કે, આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી અને બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ જતાં બાદમાં વધારાના ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોએ ભારે જહેમત ઉઠાવીને હોટલના અલગ-અલગ રૂમમાં ફસાયેલા ૩૭ જેટલા લોકોને બારીઓ અને ટેરેસ મારફતે આબાદ અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.


આગના ચોક્કસ કારણ અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

ફાયર ફાઈટરોના જણાવ્યા મુજબ, ઇમારતની અંદર સર્ચ ઓપરેશન ચલાવીને સમગ્ર બિલ્ડિંગની ઝીણવટભરી તપાસ કરી લેવામાં આવી છે જેથી કોઈ અંદર ફસાયેલું ન રહે. આ ભયાનક આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે. હાલમાં સ્થાનિક પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમ દ્વારા આગનું સચોટ કારણ નક્કી કરવા માટે વિગતવાર અને ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસમાં જે પણ કમી કે બેદરકારી સામે આવશે, તેના આધારે જવાબદાર હોટલ સંચાલકો કે વહીવટકર્તાઓ સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News