દિલ્હી હાઈકોર્ટે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાને લઈને સંભળાવ્યો મહત્વનો નિર્ણય

  • July 03, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મે મહિનામાં, રિઝર્વ બેંક (RBI) દ્વારા 2000ની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં 50 ટકા નોટો બેંકોમાં પાછી આવી છે. પરંતુ રિઝર્વ બેંકના આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો.


અરજીકર્તા રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી કે આરબીઆઈ પાસે 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની કોઈ સત્તા નથી અને માત્ર કેન્દ્ર સરકાર જ આ અંગે નિર્ણય લઈ શકે છે. તેમણે તેમની અરજીમાં કહ્યું હતું કે આરબીઆઈ પાસે કોઈપણ મૂલ્યની બેંક નોટોના વિમુદ્રીકરણને નિર્દેશિત કરવાની સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા વર્ષ 1934ના આરબીઆઈ એક્ટની કલમ 24(2) હેઠળ કેન્દ્ર સરકાર પાસે જ છે. અરજીનો આરબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવી એ 'મુદ્રા પ્રબંધન અભિયાન'નો એક ભાગ છે અને તે આર્થિક આયોજનની બાબત છે.


આરબીઆઈએ 19 મેના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હાલની નોટો બેંક ખાતામાં જમા કરાવી શકાશે અથવા 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પહેલા હાઈકોર્ટે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.


અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે RBI અને SBIની નોટિફિકેશન કોઈપણ પુરાવા વિના રૂ. 2,000 ની નોટો બદલવાની મંજૂરી આપનારી છે અને ભ્રષ્ટાચારને રોકવા માટેના કાયદાની વિરુદ્ધ છે. આ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે નાગરિકોને અસુવિધા ન થાય તે માટે આવું કરવામાં આવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે તે કોઈપણ નીતિગત નિર્ણય પર અપીલ અધિકારી તરીકે કામ કરી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application