4 વર્ષમાં સંરક્ષણ બજેટ સૌથી ઓછું 1.67 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

  • July 24, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે કૃષિથી લઈને યુવાનોના કૌશલ્ય વિકાસ સુધીના અનેક ક્ષેત્રો માટેની જાહેરાતો કરી હતી. બીજી તરફ આ બજેટમાં રેલ્વે અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને નિરાશા સાંપડી હતી. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં માત્ર એક જ વાર રેલવેનો ઉલ્લેખ કર્યો હતો, તેમજ સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો.
2022ના બજેટમાં પહેલીવાર સંરક્ષણ બજેટનું કદ રૂ. 5 લાખ કરોડને વટાવીને રૂ. 5.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. જ્યારે ગયા વર્ષે એટલે કે 2023 ના બજેટમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રને 5.94 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટમાં સંરક્ષણ બજેટનું કદ રૂ. 6 લાખ કરોડને પાર કરી ગયું હતું. જોકે, આ વખતે સંરક્ષણ ક્ષેત્રને રૂ. 4.54 લાખ કરોડ મળ્યા છે, જે 4 વર્ષમાં સૌથી ઓછા છે. વર્ષ 2019માં સંરક્ષણ ક્ષેત્રને તેનાથી પણ ઓછું એટલે કે 3.19 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.
નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને 6.21 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટની સરખામણીએ હવે સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ડિફેન્સ સેક્ટરના બજેટમાં આવો ઘટાડો પહેલીવાર થયો છે.
અગાઉ મોદી સરકારના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ સતત વધ્યું હતું. આ વખતના બજેટ પહેલા, છેલ્લા ચાર વર્ષમાં સંરક્ષણ બજેટનું કદ લગભગ 30 ટકા વધ્યું હતું. 2020ના બજેટમાં સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 4.71 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. તે પછી, 2021 ના બજેટમાં, સંરક્ષણ ક્ષેત્ર પરનો ખર્ચ વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો.
છેલ્લા 4 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ 6.5 ટકાના વાર્ષિક દરે વધી રહ્યું હતું. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે ભારત તેની સંરક્ષણ જરૂરિયાતો માટે શક્ય તેટલી વધુ સામગ્રીનું ઉત્પાદન કરે અને આયાત પર નિર્ભરતા ઘટાડે. આ સાથે સરકારનો ભાર દળોના આધુનિકીકરણ પર છે. આવી સ્થિતિમાં લોકો ડિફેન્સ સેક્ટરનું બજેટ 6 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેવાની આશા રાખતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application