ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો

  • January 24, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્વારા 2021-22 થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગણિતમાં બે વિકલ્પો સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝીક ગણિત - આપવાના નિર્ણયને કારણે વધુ વિદ્યાર્થીઓ બેઝીક વિકલ્પ પસંદ કરવાનું ચિંતાજનક વલણ અપ્નાવી રહ્યા છે. ચાર વર્ષ પહેલાં, જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વિકલ્પ સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 110,797 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો હતો, અને 670,355 વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં બેઝીક ગણિતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ચાલુ 2024-25 શૈક્ષણિક સત્રમાં, સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61,314 છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓની જાહેર કરવામાં આવેલી સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ કુલ 14,28,175 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
બોર્ડના સંયુક્ત નિયામક પરીક્ષા દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ધોરણ 10 માં 8,92882,ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહના કુલ પરીક્ષાર્થીઓમાં 10476 તો રીપીટર છે અને 95 આઈસોલેટેડ પરીક્ષાથીની કેટેગરીમાં નોંધાયા છે. આમ જોવા જઈએ તો નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 1,00,813 છે.
વિજ્ઞાન પ્રવાહના કુલ પરીક્ષાર્થીઓની સંખ્યામાં પણ જો એનાલિસિસ કરીએ તો એન્જિનિયરિંગ ફીલ્ડમાં જવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને ગણિત વિષય રાખવાનો હોય છે અને આવા વિદ્યાર્થીઓની સંખ્યા 38183 છે. જ્યારે બાયોલોજી વિષય રાખીને મેડિકલ ફિલ્ડમાં જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા 66860 છે. આ બંને કેટેગરીના વિદ્યાર્થીઓએ હવે અનુક્રમે જેઈઇ, જેઈઈ મેઈન અને મેડિકલના વિદ્યાર્થીઓને નીટની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા આપવાનું ફરજિયાત હોય છે.
આવી જ રસપ્રદ બાબત આંકડાકીય માહિતી ધોરણ 10 ના સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના પસંદગીના મામલે જોવા મળે છે જ્યારે વિદ્યાર્થીઓને આ  બંનેમાંથી કોઈ એક વિકલ્પ્ની પસંદગી કરવા માટે શરૂઆતના વર્ષોમાં જણાવ્યું હતું ત્યારે સ્ટાન્ડર્ડ મેથ્સની બોલબાલા હતી. પરંતુ આ વખતે ધોરણ 10 માં માત્ર 61,314 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ અને 78,4078 વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સની પસંદગી કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 14.28 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે રાજ્યના 15.39 લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application