મૃત્યુ: દેવ અને દાનવ અને...

  • February 06, 2024 12:28 PM 

જગતની મોટાભાગની ફિલોસોફીનો વિકાસ મૃત્યુના કારણે થયો છે. મૃત્યુને સમજવાના પ્રયાસમાં માણસ તાણાવાણા વણતો ગયો, ગુંચ ઉકેલતો ગયો. જન્મ એ અદભૂત ઘટના જરૂર છે અને એ વિચારવા પ્રેરે એવી ઘટના પણ છે. પરંતુ વિચારવા મજબૂર કરે એવી નથી. વિચારવા માટે મજબૂર કરે એવી ઘટના તો મૃત્યુ છે. જન્મને સાહજિકતાથી લેવામાં આવે છે, મૃત્યુને નહીં. મૃત્યુ અપરિહાર્ય, અપરિચિત, અણધાયુ અને અનિવાર્ય છે એટલે એનો ડર છે. માનવજાત શરૂઆતથી જ મૃત્યુથી ડરતી આવી છે, ડરતી રહેશે. મોત પછી શું છે, શું થાય છે એ બાબતે માણસ સાવ જ અંધારામાં છે એટલે તેની ઉત્સુકતા વધુ છે. મૃત્યુના લીધે માનસ જન્મ વિષે વિચારવા પ્રેરાયો. જન્મ અંગે વિચારતાં જન્મ આપનાર કોઈ અદ્રશ્ય શક્તિ વિષે વિચારવા બાધ્ય થયો. ઈશ્વર વિષે વિચારવામાં પણ કુદરત ઉપરાંત મૃત્યુનો ફાળો મોટો રહ્યો. મોતને માણસે કઈ રીતે જોયું, સમજ્યું અને તેના વિશેની ધારણાઓ કઈ રીતે બંધાઈ એ સમજવા જેવું છે. જગતભરની દરેક સંસ્કૃતિમાં મૃત્યુના દેવ છે અને હિન્દુ, બૌધ્ધ, જૈન અને અન્ય થોડા ધર્મને બાદ કરતાં મૃત્યુને પાતાળના દેવ તરીકે જ જોવામાં આવ્યા છે. અબ્રહામિક ધર્મોમાં મનુષ્ય કયામત સુધી મૃત્યુ પછી કબરમાં રહે છે એવી માન્યતા હોવાથી મૃત્યુના દેવાને પાતાળલોકના સ્વામી કલ્પવામાં આવ્યા છે. અબ્રાહમિક ધર્મમાંથી ઉતરી આવેલા ધર્મો- ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી વગેરેમાં પાતાળલોક શેતાનનું ઘર પણ છે. હિન્દુ અને તેની સાથે સંકળાયેલા અન્ય ધર્મેામાં યમ મૃત્યુના દેવ છે. યમરાજ માત્ર મૃત્યુના દેવ જ નથી, સ્વર્ગના અધિપતિ પણ છે, ન્યાય કરનાર છે, ધર્મ છે. હિન્દુ ધર્મ મુજબ યમરાજ ચિત્રગુપ્તનો ચોપડો જોઈને મરનારના કર્મેાના લેખાં જોખાં કરે છે અને નક્કી કરે છે કે તે આત્માને સ્વર્ગમાં મોકલવો, ફરી પૃથ્વી પર જન્મ લેવા માટે મોકલવો કે પછી નર્કમાં સજા કાપવા માટે મોકલવો. યમરાજ મૃત્યુનું કારણ પણ છે અને મૃત્યુ પછીની સ્થિતિ નક્કી કરનાર ન્યાયાધિશ પણ છે. જગતની ઘણી સંસ્કૃતિઓમાં મૃત્યુના દેવતાને જ જન્મના દેવતા તથા ઉર્વરતાના દેવતા ગણવામાં આવ્યા છે પણ, હિન્દુ ધર્મમાં યમરાજને ધર્મ કહેવામાં આવ્યા છે. યમ પોતે ધર્મ છે. અહીં ધર્મનો અર્થ સંપ્રદાય નહીં, સારાંનરસાંનો વિવેક એવો થાય છે. યમરાજની સાથે સારમા નામની સ્વર્ગની કૂતરીના બે દીકરા શર્વર અને શ્યામ હોય છે, આ બંને ડાધિયા કુતરાઓને ચાર ચાર આંખો છે. ઋગ્વેદમાં યમના આ બંને કૂતરાઓનો ઉલ્લેખ છે. મજાની વાત એ છે કે અન્ય સંસ્કૃતિઓના મૃત્યુના દેવતાઓમાં મોટાભાગનાની સાથે કૂતરાઓ જોડાયેલા છે. કૂતરા અને મૃત્યુને શું સંબધં હશે કે વિશ્ર્વભરના ધર્મેામાં તે બંનેને સાંકળવામાં આવ્યા છે?

મૃત્યુના ગ્રીક દેવ હૈદીઝ સાથે ત્રણ માથાંવાળો ભયંકર કૂતરો હોય છે. ગ્રીક દંતકથાઓમાં મૃત્યુ સાથે સંકળાયેલા દેવદેવીઓ ઘણા છે, તેમાં હૈદીઝ મુખ્ય છે. હૈદીસ ન્યાય કરનાર છે. તે મૃત્યુ પછીના જીવનમાં સંતુલન જાળવી રાખવાનું અને કર્મેાના ફળ આપવાનું કામ કરે છે. રોમન દંતકથાઓમાં મૃત્યુનો દેવ પ્લુટો છે. પ્લુટો હૈદીઝને એકદમ મળતો આવે છે તેની સાથે પણ ત્રણ માથાંવાળો કૂતરો રહે છે, તે પણ પાતાળલોકનો સ્વામી છે અને તેની પાસે પાતાળની ચાવી રહે છે. નોર્ઝ દંતકથાઓમાં મૃત્યુની દેવી હેલ છે, તેની સાથે પણ કૂતરો હોય છે તે પણ મૃત્યુ પછીના પ્રદેશની શાસક છે.

કોરિયન સંસ્કૃતિમાં મૃત્યુની દેવીનું નામ યોમરા અથવા યમા છે જે નામ હિન્દુ ધર્મના યમ સાથે મળતું આવે છે. તે જન્મ અને મૃત્યુ બંનેની દેવી છે અને તે પણ મૃત્યુ પામનાર માણસોને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં તેનો ન્યાય કરે છે, ડિટ્ટો યમરાજ. જેમ ગ્રીક મૃત્યુ દેવતાઓ એક કરતાં વધુ છે તે જ રીતે ઈજીપ્તમાં પણ મૃત્યુના દેવદેવીઓ અનેક છે. તેમાંના એક ઓસિરિસ મૃત્યુના દેવતા હોવા છતાં તેમનું પોતાનું મૃત્યુ થયું હતું, આપણા યમરાજની જેમ જ. ઓસિરિસને તેના ભાઈએ જ મારી નાખ્યો હતો અને તેના શરીરના ટૂકડા કરીને આખા ઈજિમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ઓસિરિસ પણ યમરાજની જેમ પુન:જિવિત થયો હતો. આખા પ્રદેશમાં ઓસિરિસના મૃતદેહના ટૂકડાં ફેંકવાની દંતકથા આપણી શકિતપીઠોની વાતને મળતી આવે છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞ સમયે સતિએ દેહત્યાગ કર્યેા ત્યારે વિરહમાં ડૂબેલા શિવજી સતિના નશ્વર દેહને ખભા પર ઉપાડીને આખા ભારતવર્ષમાં ફરતા રહ્યા હતા. સતિના દેહના ટૂકડાંઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શકિતપીઠો બની.

ધર્મરાજ યમના મૃત્યુની પણ એક કથા છે. એક સમયે શ્વેત નામના એક રાજા કાલંજરમાં રાજ કરતા હતા. વૃધ્ધ થતાં રાજા પુત્રને ગાદીએ બેસાડીને વનમાં ચાલ્યા ગયા અને શિવની આરાધના કરવા માંડા. શિવની અનન્ય ભકિતના કારણે તેઓ મહામુનિ ગણાવા માંડા. સમય જતાં તેમનું આયુષ્ય પૂરું થયું. કોઈ રોગ નહીં હોવાને કારણે શ્વેતને પોતાનું મૃત્યુ નજીક આવી ગયું હોવાનો ખ્યાલ રહ્યો નહીં. જયારે યમના દુતો તેમનો પ્રાણ લેવા આવ્યા ત્યારે મુનિ મૃત્યુ માટે તૈયાર નહોતા. યમદુતો મુનિની ઈચ્છા વિરુદ્ધ લઈ જવા માંડ્યા એટલે શિવના ગણોએ યમદુતોને મારી નાખ્યા હતા. આ સમાચાર મળતાં ક્રોધિત થયેલા યમરાજ ખુદ શ્વેતને લેવા માટે આવ્યા. પરંતુ શિવના પુત્ર કાર્તિકેયે યમરાજને પણ મારી નાખ્યા. યમના પિતા સૂર્યએ યારે આ વાત જાણી ત્યારે શિવની આરાધના કરી અને શિવજીએ યમને પુન:જીવિત કર્યા. અન્ય કથા મુજબ યમરાજ પૃથ્વી પર મરનાર પ્રથમ વ્યકિત હતા એટલે તેમને મૃત્યુના દેવતા તરીકે નિયુકત કરવામાં આવ્યા.

મધ્યપૂર્વ નજીકના કેનાન વિસ્તારના લોકોના મૃત્યુના દેવનું તો નામ જ મોત છે. મોત નામના આ દેવતાને મૃત્યુ, દુષ્કાળ અને બિન ઉત્પાદકતાના દેવ માનવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈ મોટી નદી નહોતી એટલે પાણી માટે લોકોએ વરસાદ પર જ આધાર રાખવો પડતો હતો અને વરસાદ નહીં પડવા માટેના દેવનું નામ મોત હતું. દુષ્કાળ પડે એટલે મૃત્યુ થાય, પાકનું ઉત્પાદન ન થાય આ કારણે મૃત્યુના દેવ મોતને આ બધાના કારક અને વરસાદના દેવ બાલના શત્રુ કહેવામાં આવ્યા.
​​​​​​​
સાઈબેરિયન દંતકથાઓમાં મૃત્યુના દેવતા એર્લિક છે. એ સર્જન અને મૃત્યુ બંનેના દેવ છે. ન્યુઝિલેન્ડના માઓરી આદિવાસીઓમાં આપણી જેમ મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનો રિવાજ છે. આ રિવાજ પાછળનું કારણ ત્યાંના મૃત્યુના દેવતા વ્હિરો છે. વ્હિરો એવા મૃત્યુદેવ છે જે મરનાર માણસના મડદાંને ખાય છે. આમ તો એને દેવ કહેવા જેવો જ નથી, એ દાનવ જેવો છે. માઓરી લોકોની માન્યતા એવી છે કે મડદાંઓને ખાઈને વ્હિરો શકિતશાળી બનતો જાય છે અને એક દિવસ તે એટલો શકિતશાળી બની જશે કે નર્કનો દરવાજો તોડીને બહાર નીકળી જશે અને વિશ્વમાં હાહાકાર મચાવી દેશે. એટલે વ્હિરોને ભૂખ્યો રાખવા માટે માઓરી આદિવાસીઓ મૃતદેહને સળગાવી દે છે.
બધી કથાઓ જાણે એકબીજા સાથે સંકળાયેલી હોય એવી છે. એના પરથી મૃત્યુને જોવાની માણસની દ્રષ્ટિ સમજાય છે. મોટાભાગની સંસ્કૃતિ મૃત્યુને નેગેટિવ બાબત તરીકે જુવે છે એટલે તેના દેવને અંધકાર, પાતાળ વગેરે સાથે જોડ્યા છે. આપના યમરાજ ભલે સ્વર્ગમાં રહેતા હોય, તેના શરીરનો વર્ણ કાળો અને તેનું વાહન પાડો છે, હાથમાં પાશ છે અને આકૃતિ ભયંકર ચિત્રિત કરવામાં આવી છે. જોકે, ધર્મરાજ ભયંકર આકૃતિના હોઈ શકે નહીં. સાક્ષાત ધર્મ તો સુંદર હોય અને મૃત્યુ પણ સુંદર જ હોય, માનવીનો ડર તેને કુરૂપ બનાવી દે છે. મૃત્યુને ભયભીત આંખોથી જોવામાં આવે તો તે ભયાનક જ દેખાય. અને એ જ પ્રતિબિંબ મોટાભાગની સંસ્કૃતિઓમાં પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application