BREAKING NEWS

પિતાને અંતિમ વિદાય આપતી વખતે દયાભાભી અને સુંદર ભાંગી પડ્યા, ભીમ વાકાણીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • April 07, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી જગતની ખૂબ પ્રખ્યાત સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભી (દિશા વાકાણી) અને સુંદર (મયુર વાકાણી)ના પિતા ભીમ વાકાણીનું આજે 84 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદમાં શ્યામલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં પિતાના અંતિમ દર્શન કરી દિશા વાકાણી અને મયુર વાકાણી ભાંગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. મયુર વાકાણીએ પિતાની અર્થીને કાંધ આપી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. થલતેજ સ્મશાન ખાતે ભીમ વાકાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.   


ભીમ વાકાણી માત્ર દિશા અને મયુરના પિતા તરીકે જ નહીં, પરંતુ પોતાની આગવી અભિનય શૈલી માટે પણ મનોરંજન જગતમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમણે નાટ્ય જગતની સાથે સાથે બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.


તેમણે આમિર ખાનની ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ 'લગાન' અને શાહરૂખ ખાનની ક્લાસિક ફિલ્મ 'સ્વદેશ'માં યાદગાર અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેમણે 'લજ્જા' અને 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' જેવી ફિલ્મોમાં પણ પોતાની કલાનો પરિચય આપ્યો હતો.


ગુજરાતી નાટ્ય જગતને મોટી ખોટ

ભીમ વાકાણીનો રંગભૂમિ સાથેનો નાતો દાયકાઓ જૂનો હતો. અનેક ગુજરાતી નાટકોમાં તેમણે જીવંત અભિનય દ્વારા પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. તેમણે માત્ર પોતે જ નહીં, પરંતુ પોતાના સંતાનોને પણ કલાના સંસ્કાર આપીને અભિનય ક્ષેત્રે નામના અપાવી હતી. દિશા વાકાણીએ જ્યારે 'તારક મહેતા...' શોમાં દયાબેન તરીકે ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી, ત્યારે ભીમ વાકાણીએ પણ આ શોમાં કેટલીક કડીઓમાં કેમિયો રોલ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. ભીમ વાકાણીના જવાથી ગુજરાતી કલા જગતે એક તેજસ્વી સિતારો ગુમાવ્યો છે. વાકાણી પરિવાર પર આવી પડેલી આ વિપત્તિમાં કલાકારો અને પ્રશંસકો તેમની સાથે ઉભા રહીને શોક વ્યક્ત કરી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News