રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયો "રાષ્ટ્રીય દીકરી દિવસ" નિમિત્તે "ડાન્સ વિથ ડોટર" કાર્યક્રમ

  • January 25, 2023 02:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અંતર્ગત "રાષ્ટ્રીય દીકરી દિવસ"ની ઉજવણી નિમિતે “બેટી બચાઓ, બેટી પઢાઓ” (બીબીબીપી) સેલ અને જિલ્લા વહિવટી તંત્ર – રાજકોટ દ્વારા "ડાન્સ વિથ ડોટર" કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨ વર્ષથી લઈને ૧૦ વર્ષની ઉંમરની દીકરીઓના સંગાથે સંગીતના તાલે માતાઓ ઝુમી હતી. 


અદભુત પરફોર્મન્સ કર્યા રજૂ

કાર્યક્રમની વિગત વાર ચર્ચા કરીએ તો તેમાં ૨૯ જેટલી નાની દીકરીઓએ તેમના માતા સાથે દેશભક્તિ, દીકરીને લગતા ગીતો ઉપર સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેએ પણ તેમની દીકરી સાથે મળી અદભુત પરફોર્મન્સ રજૂ કરી અન્ય માતા પિતાને પ્રેરણા પૂરી પાડી હતી. ડાન્સ પરફોર્મન્સની સાથે સાથે સમાજ કલ્યાણ કચેરી, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભ્યમના અધિકારીઓ, કર્મચારીઓએ તેમની દીકરીઓ સાથે પ્રાઈડ વોક કર્યું હતું. નારી સંરક્ષણ ગૃહનાં અધિકારીઓએ પણ ગૃહમાં આશ્રય લેતા બહેનો સાથે પ્રાઈડ વોક કર્યું હતું. 


ભાગ લીધેલ તમામ દીકરીઓને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ

આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ દીકરીઓને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ આપવામાં આવી હતી. "બેટી બચાઓ,બેટી પઢાઓ" યોજનાની પ્રતિજ્ઞાનું વાંચન અને સિગ્નેચર ડ્રાઈવ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહેમાનોનું બેટી "બચાઓ, બેટી પઢાઓ" કોફી મગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સોનલબેન રાઠોડએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૈવિના પટેલે કર્યું હતું.


આ કાર્યક્રમમાં રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાને અભિયાન તરીકે સ્વીકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ દ્વારા નાના બાળકોને સુપોષિત કરવાથી લઈને આરોગ્યની જાળવણી માટે સમયાંતરે સ્ક્રીનીંગ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.  તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શિશુ ભ્રુણ હત્યા અટકે તથા બાળકોને ત્યજી દેવાતા અટકાવી શકાય તે માટે વહીવટી તંત્ર નક્કર કામગીરી કરી રહી છે. ત્યજેલ બાળકોને નવો પરિવાર મળે તે માટે કાયદાકીય પ્રક્રિયા સાથે બાળકને દત્તક આપવા માટે રાજકોટ ત્રીજા ક્રમે છે. આવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. તાજેતરમાં જ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુવર્ણ પદક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાંથી દીકરીઓની સંખ્યા વધુ હતી. જેના ઉપરથી કહી શકાય કે, દીકરીઓને યોગ્ય રાહ ચિંધાવામાં આવે તો ઝડપભેર આગળ વધી શકે તેમ છે. તેઓએ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દીકરીને વધાવીએ, દીકરીને ભણાવીએ, ઘરની લક્ષ્મી દેશની લક્ષ્મી બનીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવું સામર્થ્ય દરેક માતા - પિતાએ પ્રદાન કરવું જોઈએ.


આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથ, સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબેન પરમાર, નારી સંરક્ષણ ગૃહનાં ગીતાબેન પરમાર, શ્રી જનકસિંહ ગોહિલ, દીકરીઓ સાથે માતા - પિતા ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application