હાલારમાં માવઠાથી મગફળી, જીરુ, કપાસના પાકને નુકશાન

  • November 28, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો કે પ્રમાણમાં ઓછુ નુકશાન થયાનો અંદાજ: સર્વે બાદ સાચી હકીકત પ્રકાશમાં આવશે: જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ અને દ્વારકાના કલ્યાણપુર, ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાનીનો અંદાજ

માવઠાની ભિતી તો લગભગ ટળી ગઇ છે, હવે કમસેકમ જામનગર જિલ્લામાં માવઠુ પડવાની કોઇ શકયતા નથી તેવા સંકેતો રાજયના હવામાન ખાતા દ્વારા આપવામાં આવે છે, પરંતુ રવિ-સોમવાર દરમ્યાન હાલારના બંને જિલ્લા જામનગર અને દ્વારકાના ચારેક તાલુકા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં માવઠુ તથા કરા પડવાના કારણે મગફળી, જીરુ, કપાસના પાકને નુકશાન પહોંચ્યું છે, જો કે નુકશાની વધુ પ્રમાણમાં નહીં હોવાની પણ શકયતા છે, સર્વે થયા બાદ સાચો અંદાજ સામે આવશે.
દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ કમોસમી વરસાદ નોંધાયો તો આ જ રીતે ખંભાળીયા પંથકમાં પણ વરસાદ પડયો, જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુરમાં અંદાજે અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો, કલ્યાણપુરના અમુક ખેતરોમાં રિતસર બરફના પાથરણા જોવા મળ્યા હતાં, ખેડુતોને જે ભીતિ હતી તે સાચી ઠરી હતી અને ઘણા બધા ખેતરોમાં નુકશાની પહોંચી છે.
ખંભાળીયા નજીકના ગામડાઓમાં ખુલ્લામાં પડેલી મગફળીના જથ્થાને નુકશાન પહોંચ્યું હતું, જો કે ખેડુતો દ્વારા તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો હતો, આમ છતાં ઘાસ અને મગફળી પલળી ગઇ હતી, મોટાભાગના ખેતરો ખાલી હોવાના કારણે જે નુકશાનીનો ભય હતો તે પ્રમાણમાં નુકશાની નહીં હોવાનું સરકારી તંત્રના અધિકારીઓ કહી રહ્યા છે.
બીજી તરફ ખેડુત આગેવાનોના જણાવ્યા મુજબ મગફળી, કપાસ અને જીરુના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે અને ખાસ કરીને દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તથા ખંભાળીયા પંથકના ગામડાઓના ખેડુતોને વધુ નુકશાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવે છે.
રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગઇકાલે એવી જાહેરાત કરી છે કે, ગુજરાતમાં માવઠાના કારણે ખેડુતોને થયેલા નુકશાનનો સર્વે તાકીદના ધોરણે શરુ થઇ જશે ત્યારે એવી અપેક્ષા રખાય છે કે, કૃષિ મંત્રીના હોમટાઉન એવા હાલારમાં વહેલી તકે સર્વે થઇ જશે અને વાસ્તવમાં કેટલી નુકશાની પહોંચી છે તેના આંકડા સામે આવી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application