કાલાવડ વિસ્તારમાં રુપિયા૧.૮૫ કરોડના કામોમાં ઇ-ટેન્ડરીંગ ન થતાં તપાસ કરવા ડીડીઓનો આદેશ

  • June 21, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાદ કાલાવડમાં પણ કેટલાક કામોમાં ગોબાચારી: બાલંભડી, ભાડુકીયા, કાલમેઘડા,પીપર અને ભગત ખીજડીયામાં ચેકડેમ, કોઝ-વે, પશુવાડો, આરો પ્લાન્ટ સહિતના કામો અંગે તપાસ થાય તો અનેક મોટા માથાઓ આપશે ઝપટમાં

જામજોધપુરમાં કરોડોનું કૌભાંડ બહાર આવ્યા બાદ ચાર જ ગામમાં ૧૯ તળાવ કેમ બનાવી લેવાયા ? તે અંગે ડીડીઓએ આકરા પગલા લેવા તપાસ સોપી છે ત્યારે હજુ તો આ તપાસ શરુ થાય તે પહેલા જ કાલાવડ તાલુકાના કેટલાક ગામોના કામોમાં રુા.૧.૮૫ કરોડના ૫૭ વિકાસ કામોમાં ઇ-ટેન્ડર થયા નથી તેવી વાતો બહાર આવી છે અને ડીડીઓએ હવે કાલાવડમાં પણ કડક તપાસ કરવી જોઇએ અને જો આ વ્યવસ્થિત તપાસ થશે તો જિલ્લા પંચાયતના કેટલાક મોટા માથા પણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેવું બહાર આવે તેવી શકયતા છે, આ બંને તાલુકામાં લાખો રુપિયાના કામોમાં બઘડજંતર થયું છે, ઇ-ટેન્ડર વિનાના કામો પણ થયા છે ત્યારે આ બંને તાલુકામાં તટસ્થ તપાસ સમિતિ નીમવી જોઇએ તેમ લોકોનું કહેવું છે.
જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ હેઠળ ઓકટોબર માસમાં ૨૦૨૨માં સંકલીત જળ સ્ત્રાવ વ્યવસ્થાપન વિભાગ કાર્યક્રમ અંતર્ગત ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના કાલાવડના કાલમેઘડા અને પીપર કલ્સ્ટર અંતર્ગત વોટર શેડ વર્કસ હેઠળ ટેન્ડર પ્રક્રિયા થઇ હતી, નિયમ પ્રમાણે જો રુા.૫ લાખથી વધુનું કામ હોય તો ઇ-ટેન્ડરની જોગવાઇ છે, પરંતુ આ કાર્યવાહી કર્યા વિના એક જ પાર્ટીને રુા.૧.૮૫ કરોડનું કામ આપી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયામાં એક પશુવાડો, એક આરઓ પ્લાન્ટ, ત્રણ ચેકડેમો, ચાર કોઝ-વે કમ ચેકડેમો, ચાર ચેકડેમ, એક-ઓવરહેડ પાણીનો ટાંકો, પાંચ કોઝ-વે કમ ચેકડેમો, ભગત ખીજડીયામાં એક ઘાસનું ગોદામ, એક પાણીનો ટાંકો, નવ ચેકડેમ, સાત કોઝ-વે કમ ચેકડેમ તેમજ કાલમેૅઘડા ગામમાં તળાવના ચાર ચેકડેમના કામો થયા છે, અધિકારીના મત મુજબ ગામમાં પાણીની સમિતિ બની હોય છે અને આ સમિતિ દ્વારા ચેકડેમનું સ્થળ પર નકકી કરવામાં આવે છે. આ તમામ કામ રુા.૧ કરોડ ૮૫ લાખ, ૭૨ હજાર ૩૪૨ના હોવાનું અને આ કામ અપાયું છે તે કંપની કાલાવડની હોવાનું ખૂલ્યું છે.
જામનગર જિલ્લા પંચાયતના હોદેદારોની મુદત લગભગ ૩ માસ બાકી છે, એ પહેલા જ જામજોધપુર તાલુકામાં ચાર ગામમાં બનેલા ૧૯ તળાવ વિશે પણ ડીડીઓ ગોકુલ ભારદ્વાજને ચોંકાવનારી વિગતો મળતા તેઓએ આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો અને કોઇપણ જવાબદાર વ્યકિત હશે તો તેની સામે આકરા પગલા લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ડીડીઓએ આ બંને ગામમાં થયેલા કામો અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તેમજ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી પાસેથી કેટલોક રેકોર્ડ મંગાવ્યો છે, નિષ્પક્ષ તપાસ થાય તો અનેક મોટામાથાઓની સીધી સંડોવણી બહાર આવે તેવી પણ શકયતા છે, હાલ તો જામજોધપુર અને કાલાવડ પંથકમાં થયેલા કામો અંગે કોના-કોના નામ બહાર આવે છે તે અંગે જિલ્લા પંચાયતમાં તરહ-તરહની ચર્ચાઓ શરુ થઇ છે અને સમગ્ર પ્રકરણમાં ડીડીઓ હાલ તો કડક પગલા લેવાના મુડમાં હોવાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application