દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાથી દરિયાકાંઠા વિસ્તારોમાં વ્યાપક નુકસાની

  • June 16, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક થાંભલાઓ, વૃક્ષો જમીનદોસ્ત થયા: જનજીવન અસ્તવ્યસ્ત: દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ યોજાયો

હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું ગઈકાલે ગુરુવારે સાંજે દેવભૂમિ દ્વારકા પર ત્રાટક્યું હતું. છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદથી વાવાઝોડાની ગતિ તેજ થઈ હતી અને સાંજે દ્વારકા - ઓખા વિસ્તારમાં આશરે ૧૨૦ કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત મુશળધાર વરસાદ પણ વરસ્યો હતો. આજે સવાર સુધી આ તેજ વાવાઝોડાના કાતિલ પવન તથા ભારે વરસાદે કહેર વર્તાવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો એવા ઓખામાં સૌથી વધુ તારાજી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અહીં જેટી તેમજ દરિયા વચ્ચેની દીવાલ તેજ ફૂંકાતા પવન તથા દરિયાના પાણીથી પડી જતા જેટી અને રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત દ્વારકાના ડાલડા બંદર વિસ્તારમાં પણ પાણી ઘુસી આવ્યા હતા. દ્વારકાના સ્મશાનના પતરા તેમજ હાથીગેટ પાસેના તોતિંગ હોર્ડીંગ પણ ઊડીને રોડ પર પડ્યા હતા. આ ઉપરાંત મીઠાપુરના કેટલાક વિસ્તારોમાં પણ દરિયાના પાણી ઘુસી આવ્યા હતા. દ્વારકા પંથકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાની થયાના ચિત્રો જોવા મળ્યા હતા. દ્વારકા જિલ્લામાં વાવાઝોડું તારાજી ન સર્જે તે માટે દ્વારકાના જગત મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા ગઈકાલે વિષ્ણુ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં પણ ગુરુવારે બપોર પછી પવનનું જોર વધ્યું હતું. અંદાજિત ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અને સ્થળોએથી પતરા તેમજ અન્ય ચીજ વસ્તુઓ ઊડી જતાં વ્યાપક નુકસાની થવા પામી હતી. શહેર તથા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુના અને તોતિંગ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થતા તંત્રને પરિસ્થિતિ કાબુમાં લેવા અને રસ્તાઓ ખુલ્લા કરવા વ્યાપક જહેમત ઉઠાવવી પડી હતી શહેરમાં અવારનવાર ભારે ઝાપટા વરસ્યા હતા.
સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા બજારો બંધ રહે અને વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખે તે માટે કરવામાં આવેલી અપીલ તેમજ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અને ગઈકાલે ગુરુવારે બજારો બંધ રહી હતી. જેથી કુદરતી કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં ભારે પવનના કારણે લાંબો સમય વીજ પુરવઠો તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો.
વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં શેલ્ટર હોમ આશ્રિતોથી ધમધમી ઉઠ્યા હતા. આટલું જ નહીં, વિવિધ સેવા સંસ્થાઓ તેમજ કાર્યકરો દ્વારા ફૂડ પેકેટ બનાવી અને વિતરણ કરવા માટેની સેવા પણ નોંધપાત્ર બની રહી હતી.
આ ઉપરાંત અહીંના ડોક્ટર એસોસિએશન દ્વારા પણ જરૂરિયાત મુજબ વાવાઝોડા દરમિયાન દર્દીઓને સેવાઓ આપવામાં આવી હતી. આ કુદરતી આફતને પહોંચી વળવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર તથા જિલ્લા પ્રશાસન દ્વારા તમામ પ્રકારે લોકોને સહયોગ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application