બેડીમાં એડવોકેટની સરાજાહેર હત્યામાં ૧૫ સામે ગુનો

  • March 14, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એડવોકેટની હત્યા બાદ બેડીમાં મોડી રાત સુધી પોલીસનું ચાલ્યું સર્ચ ઓપરેશન: થાર કબ્જે લેવાઇ....
ગઇ સાંજે બેડીમાં એડવોકેટની કરવામાં આવેલી હત્યા બાદ સોંપો પડી ગયો હતો, ભયનું લખલખુ ફેલાઇ ગયું હતું, મોડી રાત સુધી આખા બેડી વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, સાયરન સતત ગુંજતા રહ્યા હતાં, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતની આખી ટીમે શંકાસ્પદ ઘરોની તલાસી લીધી હતી, કાંચ તુટેલી થાર કબ્જે લેવામાં આવી હતી, બેડી અને બેડેશ્ર્વરમાં અંદરના વિસ્તારોમાં પોલીસની ટુકડીઓએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.  માર્ગ પર બુલેટ પર આવી રહેલા હારુન પલેજાને રોકીને પછાડીને ઘાતકી હત્યા કરાઇ, હોસ્પિટલમાં સારવાર પહેલા જ અંતિમ શ્ર્વાસ લઇ લીધા, બેડી વિસ્તારમાં એસ.પી. સહિતનો પોલીસ કાફલો જ્યારે અંતિમ તસવીરમાં મૃતક એડવોકેટર નજરે પડે છે.

***
સાઇચા અને રજાક સોપારી સહિતના આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ: કાવતરાના ભાગરુપે વાછાણી મીલ રોડ પર આરોપીઓએ એડવોકેટને આંતરી છરી, પાઇપ, ધોકાથી તુટી પડયા : જી.જી. હોસ્પીટલ ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા : એસપી સહિતના પોલીસ કાફલા દ્વારા બેડી વિસ્તારમાં કોમ્બીંગ : આરોપીઓને ઝડપી લેવા સધન શોધખોળ : પંથકમાં સનસનાટી

જામનગરના બેડી વાછાણી મીલ પાસેના રોડ પર ગઇ સાંજે એડવોકેટ હારુન પલેજાને આંતરીને શખ્સો હથિયારો વડે તુટી પડી ઢીમ ઢાળી દીધુ હતું, વકિલની સરાજાહેર હત્યા થયાનો મામલો સામે આવતા જી.જી. હોસ્પીટલ ખાતે આગેવાનો, સમર્થકો સહિતના મોટી સંખ્યામાં દોડી જતા તંગદીલી જેવું વાતાવરણ જોવા મળ્યુ હતું, જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પીટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમ્યાન આ બનાવમાં ૧૫ સામે હત્યા, કાવતરા, રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી પોલીસ ટુકડીઓ દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી રહી છે, એડવોકેટની હત્યાના પગલે પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા વાઘેર મુસ્લીમ સમાજના આગેવાન અને એડવોકેટ હારુન પલેજા ગઇ સાંજે પોતાનું મોટરસાયકલ લઇને પસાર થતા હતા ત્યારે બેડીના વાછાણી મીલ પાસેના રોડ પર શખ્સોએ બાઇક પરથી પછાડી દઇ તીક્ષણ હથીયારો વડે એડવોકેટ પર તુટી પડયા હતા, ગંભીર રીતે ઘવાયેલા હારુનભાઇને તાબડતોબ જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં  ડોકટરે મૃત જાહેર કર્યા હતા, બનાવના પગલે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલા, સીટી-બી પીઆઇ ઝાલા સહિતની પોલીસ કાફલો હોસ્પીટલ દોડી ગયો હતો, એક ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
વકીલ હારુન પલેજાની સરાજાહેર હત્યા થયાનું સામે આવતા જી.જી. હોસ્પીટલ ખાતે મૃતકના સમર્થકો, સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં દોડી ગયા હતા, આથી હોસ્પીટલ ખાતે તંગદીલી અને અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો, બીજી બાજુ એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, એલસીબી, એસઓજી, સીટી-બી ડીવીઝનનો કાફલો બેડી વિસ્તારમાં દોડી ગયો હતો અને કોમ્બીંગ હાથ ધર્યુ હતું તેમજ આજુબાજુના સીસીફુટેજ મેળવવા એક ટીમ કામે લાગી હતી, ઉપરાંત અલગ અલગ ટુકડીઓને જુદી જુદી દીશામાં આરોપીઓને પકડી પાડવા માટે દોડતી કરવામાં આવી હતી, આ ઉપરાંત આસપાસના જીલ્લાઓની પોલીસના સંપર્કમાં પણ જામનગર પોલીસ જોડાઇ હતી.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એડવોકેટ હારુન પલેજાની હત્યા સબંધે કહયુ હતું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, બેડી વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવી રહયુ છે અને એલસીબી, એસઓજી સહિતની ટુકડીઓ બનાવને અંજામ આપીને નાશી છુટેલા આરોપીઓને પકડી પાડવા તપાસ કરી રહી છે, ઝડપથી આરોપીઓને પકડી પાડવામાં આવશે.
દરમ્યાનમાં જામનગરના બેડી ફારુકે રઝા ચોક ખાતે રહેતા નગરસેવક નુરમામદ ઓસમાણભાઇ પલેજા દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગત મોડી રાત્રે આરોપીઓ બસીર જુસબ સાઇચા, ઇમરાન નુરમામદ સાઇચા, રમઝાન સલીમ સાઇચા, સીકંદર નુરમામદ સાઇચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાઇચા, દીલાવર હુશેન કકકલ, સુલેમાન હુશેન કકકલ, ગુલામ જુસબ સાઇચા, એજાઝ ઉમર સાઇચા, અસગર જુસબ સાઇચા, મહેબુબ જુસબ સાઇચા, રઝાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડીયા અને શબીર ઓસમાણ ચમડીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૨૦-બી, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી નુરમામદભાઇના કાકા હારુનભાઇ કાસમભાઇ પલેજા વકીલ હોય અને ગયા વર્ષે રઝાક નુરમામદ સાઇચા તથા અખ્તર અનવર ચમડીયા તથા અફરોજ તૈયબ ચમડીયા વિરુઘ્ધ દાખલ થયેલ ગુનાના કેસમાં જામીન અરજી દરમ્યાન ફરીયાદ પક્ષે વકીલ તરીકે રોકાયેલ હતા, જે જામીન અરજીની સુનાવણીના દિવસે કોર્ટ રુમની બહાર લોબીમાં તે ગુનાના ફરીયાદી ઇસાક ઇબ્રાહીમભાઇ હુંદડા તેના વકીલ સાથે ત્યાથી નીકળતા આ વખતે આરોપી રજાક, ઉમર તથા શબીરએ તેનો રસ્તો રોકી તેઓને તથા તેના વકીલ એટલે કે ફરીયાદીના કાકા હારુનભાઇને ગાળો આપી કેસ પાછો ખેચી લેવા તમામને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
ત્યારબાદ ઉપરોકત તમામે ગુનાહીત કાવતરુ રચી તે કાવતરાના ભાગરુપે આરોપી ૧ થી ૮ વાળાઓએ ગેરકાયદે મંડળી રચી છરી, પાઇપ, ધોકા તથા લોખંડના ગોળા જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી આ હથિયારો વડે ગઇકાલે સાંજે બેડી વાછાણી મીલ પાસેના રોડ પર ફરીયાદીના કાકા હારુનભાઇ પલેજાને જાનથી મારી નાખવાના ઇરાદે માથા તથા શરીરે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી તેમનું મોત નિપજાવ્યુ હતું.
આ ફરીયાદની તપાસ સીટી-બી ડીવીઝનના પીઆઇ એચ.પી. ઝાલા ચલાવી રહયા છે, અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા ફરીયાદ અનુસંધાને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે, વાઘેર સમાજના આગેવાન, કોંગ્રેસ અગ્રણી એડવોકેટ હારુન પલેજાની નિર્મમ હત્યાના બનાવથી પંથકમાં ભારે સનસનાટી મચી ગઇ છે.
***
એડવોકેટની હત્યા બાદ હોસ્પિટલે અગ્રણીઓ દોડી ગયા
એડવોકેટ હારુન પલેજાની હત્યાના સમાચાર મળતા જ ધર્મગુરુ સલીમબાપુ નાનીવાલા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર જૈનબ ખફી, યુવક કોંગ્રેસના તોસીફખાન પઠાણ સહિતના અનેક અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
***
છ વર્ષમાં જામનગરમાં બીજા જાણીતા વકીલની હત્યા
જામનગરના બેડી વિસ્તારમાં ગઇ સાંજે કોંગ્રેસના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, આ રીતે આશરે છ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૮માં જામનગર શહેરમાં જાણીતા વકીલ કિરીટભાઇ જોશીની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી આમ છ વર્ષ જેટલા સમયગાળામાં જામનગરમાં બીજા જાણીતા વકીલની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
***
રોઝુ ખોલવા જતા હત્યાનો ભોગ બન્યા
ગઇ સાંજે બેડીમાં સરાજાહેર એડવોકેટ હારુન પલેજાની કરાયેલી હત્યા સંબંધે મરનારના ભત્રીજા નગરસેવક નુરમામદ પલેજાએ જણાવ્યું હતું કે, હારુન પલેજાએ રોઝુ રાખ્યું હતું અને સાંજે ઇફતાર કરીને રોઝુ ખોલવા માટે ઘરે આવી રહ્યા હતાં, એ દરમ્યાન ક્રુર હત્યા કરાઇ હતી.
***
વકીલોમાં રોષ : આજે કોર્ટ કાર્યવાહીથી દુર રહેવા બાર એસો.નો નિર્ણય
જામનગરના એડવોકેટ હારુનભાઇ પલેજાની હત્યાની ઘટનાથી જામનગરના બાર એસોસીએશનમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને વકીલોમાં રોષ ભભુકી ઉઠયો છે, આથી બાર એસોના સભ્યો અદાલતની કાર્યવાહીથી આજે અલીપ્ત રહેશે, જયારે અદાલત પરિસરના કમ્પાઉન્ડમાં તમામ એડવોકેટ એકત્ર થઇ હત્યાના બનાવના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કરશે તેમજ જામનગર બાર એસો. દ્વારા હત્યા નિપજાવનારા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટેની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application