અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ, ક્રાઈમ બ્રાંચે 8 આરોપી સામે 5670 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી

  • February 07, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કુખ્યાત પ્રકરણમાં 5670 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. જે પૈકી 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. 


આ કેસમાં અત્યારસુધી કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. બીએનએસએસ 183 (જૂનું CRPC-164) મુજબ કુલ 7 સાક્ષીઓના નિવેદન પણ લેવાયા છે. 19 ઇલેક્ટ્રોનિક પુરાવા, 36 ફાઈલો અને 11 રજિસ્ટર કબ્જે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કુલ 34 બેંક ખાતાની માહિતી મેળવાઈ હતી.


શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા હતા, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની 32 દિવસ બાદ રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તો 18 જાન્યુઆરીએ છેલ્લા અને મુખ્ય આરોપી કાર્તિક પટેલની પણ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.


કાર્તિક પટેલના ઘરમાંથી દારૂની બોટલ અને પોકરના કોઇન મળ્યાં હતાં
ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સિંધુભવન રોડ પર આવેલી અભીશ્રી રેસિડેન્સીમાં કાર્તિક પટેલના નિવાસસ્થાન પર તપાસ માટે પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલના ઘરે તપાસ કરતાં ઘરમાં વિમલ પાનમસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલ મળી હતી. જ્યારે પોકર ગેમ્બિલિંગના કેટલાક કોઈન પણ મળ્યા હતા. આ ઉપરાંત ત્યાં અનેક ગ્લાસ મળી આવ્યા હતા. ઘરમાં બીજા માળે મિની થિયેટર બનાવવામાં આવ્યું હતું, જેની પાસે બાર બનાવવામાં આવ્યો હતો. ઘરમાં અનેક રૂમમાં સીસીટીવી કેમેરા હતા, જેનું મોનિટરિંગ પહેલાં માળે રૂમના ટીવીથી થતું હતું. જે ચાલુ હાલતમાં હતા. ઘરમાં જીમ પણ બનાવવામાં આવ્યું હતું. ઘરમાં ત્રણ લક્ઝુરિયસ કાર પણ ક્રાઈમ બ્રાન્ચને મળી આવી હતી.


ચિરાગ ખ્યાતિ હોસ્પિટલમાં મહિને 7 લાખનો પગાર લેતો
ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં એડમિન/માર્કેટિંગ / ડિરેક્ટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળે છે, જેનો માસિક પગાર રૂપિયા 7,૦૦,૦૦૦/- (સાત લાખ)નો હતો. આ ગુનામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તોપણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો તેમજ ડોક્ટરને પણ તેની સૂચનાનુ પાલન કરવું પડતું હતું. હોસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મૂકવાની પ્રોસિજર સમયે તે હાજર રહેતો.


મિલિન્દ પટેલ જેલમાંથી છૂટ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો
સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ. ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરી હતી. બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને 2010થી નિધિ હોસ્પિટલ, નવરંગપુરા ખાતે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલો. 2017માં સાલ હોસ્પિટલ, વસ્ત્રાપુર ખાતે જોડાયેલો, જ્યાં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થયેલી, તેની સાથે માર્કેટિંગ એક્ઝિ. તરીકે 2020 સુધી નોકરી કરેલી. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી એશિયન બેરિયાટ્રિકસ હોસ્પિટલમાં નોકરી પર લાગેલો, જ્યાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે 2020 સુધી જોબ કરેલી.


આ સમય દરમિયાન તેને શેરબજારમાં નુકસાન થતાં ઘર/પરિવારથી અલગ થયેલા, તેના વિરુદ્ધ નેગો. એકટ કલમ 138 મુજબના કેસ થયેલો, જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલો. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલો ત્યારથી આજદિન સુધી માસિક રૂ. 4૦,૦૦૦/-ના પગારથી નોકરી કરતો.


ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિટિવ તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોક્ટરને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે રિફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ-અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરતો.​​​​​​​


રાહુલ જૈન નાણાકીય બાબતો સંભાળતો હતો
રાહુલ જૈન હોસ્પિટલમાં સીઇઓ તરીકે કામ કરતો. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પિટલમાં તમામ ઓડિટ સાથે રહી કરાવતો હતો. ઓડિટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેક્ટરો સાથે મળી સોલ્યુશન લાવતો હતો


પંકિલ અને પ્રતીક કમિશનનો ખેલ ખેલતા હતા
પોલીસે જે 9 આરોપી ઝડપ્યા હતા તેમાંના પંકિલ અને પ્રતીક નામના આરોપીઓ માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. તેઓ અલગ અલગ ગામના સરપંચ અને લોકોનો સંપર્ક કરતા હતા. નાની-મોટી હોસ્પિટલમાં સંપર્ક કરી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરાવતા અને જે-તે ડોકટરને કમિશન પણ આપવાનું કહેતા હતા.


સામાન્ય મોબાઇલનો ઉપયોગ કરતા ન હતા
ખ્યાતિકાંડ મામલે મેડિકલ બોર્ડની રચના થતાં જ આરોપીઓને ગંધ આવી ગઈ હતી કે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાશે, જેથી ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ અને રાહુલ જૈન અમદાવાદથી ઉદયપુર ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ પંકિલ અને પ્રતીક પાછળથી તેમની સાથે જોડાયા હતા. રાહુલ જૈન ઉદયપુરમાં જ રોકાયો હતો, એ સિવાયના ચાર આરોપી ગુજરાત આવી ખેડાના કપડવંજના ફાર્મમાં રોકાયા હતા. પોલીસે કહ્યું હતું કે આરોપીઓ તેનું લોકેશન ન મળે એ માટે મોબાઈલનો ઉપયોગ કરતા ન હતા. વાતચીત માટે રશિયન અને ચાઈનીઝ એપનો ઉપયોગ કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application