BREAKING NEWS

ક્રાઇમ બ્રાંચે સરેન્દ્રનગરના રીઢા તસ્કરને ઝડપી લીધો: પાંચ ચોરીની કબુલાત આપી

  • May 12, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે સુરેન્દ્રનગરના રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં રાજકોટમાં કુંભારાવાડામાં વર્ષ ૨૦૨૨ માં થયેલી રૂ.૨.૮૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ સહિત કુલ પાંચ ચોરીની આરોપીએ કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ૫.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, કુંભારવાડામાં રહેતાં મગનભાઈ નરશીભાઈ ખોખર (ઉ.વ.૫૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૨૨/૦૪/૨૦૨૨ ના તેઓના ઘરેથી અજાણ્યો શખ્સ રોકડ અને દાગીના મળી કુલ રૂ.૨.૮૨ લાખના મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ ચાર વર્ષ બાદ પણ અનડીટેકટ રહેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધરફોડ ચોરી લુંટ તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી જેવા ગુન્હાઓ ડીટેક્ટ કરવા માટે અવાર - નવાર આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ આર.કે. ગોહિલ ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલશીભાઇ ચુડાસમા મુકેશભાઇ સબાડ, કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયાને મળેલ ખાનગી બાતમીના આધારે કેસરી હીંદ પુલ પાસે આવેલ આજીનદી કાંઠાનો રોડ (જુની ગુજરી બજાર) કપીલા હનુમાન મંદીર પાસેથી અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાઇ ચુકેલ રીઢા ગુનેગારને જયંતી ધીરૂ સરવૈયા (ઉ.વ.૨૭ રહે. દુધરેજ સાત નાળા પાસે વહાણવટી નગર, સુરેન્દ્રનગર) ને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વર્ષ ૨૦૨૨ માં થયેલ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પાસેથી પોલીસે સોનાની પાંદળી પાટની હાંસડી (ગળાનો હાર), સોનાની કાનમાં પહેરવાની પાંદડી પાટની બુટી જોડી ,સોનાની કાનમાં પહેરવાની નાની બુટી, સોનાનો પફી ચાંદીની લકી, ઝાંઝરી જોડી સહિત રૂ.૫.૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ આરોપી દિવસ દરમિયાન રેકી કરી રાત્રીના બંધ મકાનને નિશાન બનાવતો હતો. આરોપી વિરુદ્ધ ચોરીના અનેક ગુના નોંધાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application