શહેરના મોરબી રોડ પર શાંતીકુંજ સોસાયટીમાં રહેતા વેપારીને ત્યાં ચાંદીકામ કરનાર કારીગર રૂ.૧૭.૬૦ લાખની ચાંદીની ચોરી કરી ગયા અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. એલસીબી ઝોન-૧ ની ટીમે આરોપી વિજય નાગાણીને વેલનાથપરાના પુલ પાસેથી ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આરોપીએ ચાંદી ચોરી કર્યા બાદ વાડીમાં છુપાવ્યુ હતું. ગ્રાહક મળતા પાંચ કિલો ચાંદી ઓગાળી તેને આપવા માટે આવતો હતો દરમિયાન પોલીસની ઝપટે ચડી ગયો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૫.૪૭ લાખનું ૧૫.૦૯ કિલોગ્રામ ચાંદી તથા બાઇક સહિત કુલ રૂ.૧૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગઇ તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક, શાંતીકુંજ સોસાયટી મકાન નં.૨૩માં રહેતા ફરીયાદી રાહુલભાઇ ધોડીરામ સાવંતના મકાનમાંથી તેને ત્યાં દોઢેક મહિનાથી ચાંદીકામ કરનાર વિજય નટુભાઇ નાગાણી (ઉ.વ ૨૮ રહે. વેલનાથપરા શેરી નં ૬, મોરબી રોડ, બાલક હનુમાન મંદીર વાળી શેરી, રાજકોટ) રૂ.૧૭.૬૦ લાખની કિંમતની ૧૬૧૦૭ ગ્રામ ચાંદી ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન- ૧ હેતલ પટેલ દ્વારા આ ચોરીના બનાવનો ભેદ તાકીદે ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. ચોરીના આ બનાવને લઇ એલીસીબી ઝોન-૧ ના પીએસઆઇ એમ.કે.મોવલીયા ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી,હરેશભાઇ પરમાર, હેડ કોન્સ જગદીશસિંહ પરમારને બાતમી મળી હતી કે, ચોરી કરનાર આ શખસ હાલ મોરબી રોડ વેલનાથપરા પુલ સર્વીસ રોડ પાસે છે. જે બાતમીના આધારે ટીમે અહીં પહોંચી આરોપી વિજય નટુભાઇ નાગાણી(ઉ.વ. ૨૮) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પુછતાછ કરતા તેણે ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપી પાસેથી રૂ. ૧૫.૪૭ લાખનું ૧૫.૦૯ કિલોગ્રામ ચાંદી તથા બાઇક સહિત કુલ રૂ.૧૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે માહિતી આપવા યોજયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૧ હેતલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી ફરિયાદીના ત્યાં છેલ્લા દોઢ માસ કામ કરતો હતો. ચાંદીકામ મકાનમાં ત્રીજા માળે કરવામાં આવતું હતું. ફરિયાદી રાહુલભાઇ બહાર જતા અને તેમના પત્ની બાળકને લઇ બહાર જતા વિજયની નીયત બગડી હતી. તેણે ચાંદી પોટલામાં ભરી ત્રીજા માળેથી નીચે સાર્વજનિક પ્લોટમાં ફેંકી દીધું હતું. બાદમાં તે ઝડપથી બહાર નીકળ્યો હતો. પ્રથમ ફરિયાદીના પત્ની મળતા તેણે તેને કોઇ જવાબ આપ્યો ન હતો બાદમાં પોટલું લઇ જતો હતો ત્યારે રસ્તામાં થોડે દૂર ફરિયાદી મળતા હું ૧૦ મીનિટમાં આવું છું તેમ કહી નીકળી ગયો હતો.
બાદમાં તે ચાંદી લઇ ચોટીલા પાસે આવેલા તેના ગામ નજીક પોતાની વાડીએ ગયો હતો અને અહીં ચાંદી છુપાવી દીધું હતું. બાદમાં તેને ગ્રાહક મળતા ૫ કિલો ચાંદી ઓગાળી રાજકોટ તેને આપવા માટે આવતો હતો. દરમિયાન પોલીસે આ શખસને ઝડપી લીધો હતો. આ કામગીરીમાં એલસીબી ઝોન-૧ ના પીએસઆઇ અમે.કે.મોવલીયાની રાહબરીમાં એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હરેશભાઇ પરમાર, હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. રવિરાજભાઇ પટગીર તથા નાસતા ફરતા સ્કોવડ ઝોન-૧ ના એએસઆઇ જયપાલસિંહ ઝાલા, કોન્સ. જુગલભાઇ કથીરીયા, નીખીલભાઇ પીરજીયા અને નીલેશભાઇ જમોડ સાથે રહ્યા હતાં.
ચાંદીની ચોરી કરી ચોટીલા પાસે વાડીમાં દાટી દીધું
આરોપી વિજય નાગાણીએ ચાંદીની ચોરી કર્યા બાદ તે સીધો જ ચોટીલા નજીક આવેલા તેના ગામ પાસે પોતાની વાડી હોય ત્યાં પહોંચ્યો હતો.અહીં તેણે જમીનમાં ખાડો કરી ચાંદી છુપાવી દીધું હતું. બાદમાં તે ગ્રાહકની તલાશમાં હતો દરમિયાન ગ્રાહક મળતા પાંચ કિલો ચાંદી ઓગાળી રાજકોટ આપવા આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
વિજય ચાર વર્ષ પૂર્વે મવડીમાં કારખાનામાંથી એક કિલો ગોલ્ડ પ્લેટની ચોરી કરી હતી
રૂ.૧૭.૬૦ લાખની ચાંદી ચોરીમાં ઝડપાયેલો આરોપી વિજય નાગાણી દાગીનાને ઘાટ આપવાનું મજુરીકામ કરે છે. આરોપી સામે અગાઉ વર્ષ ૨૦૨૧ માં માલવીયાનગર પોલીસ મથકમાં એક કિલો સોનાની ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો છે. મવડી વિસ્તારમાં કેશ ડાયલના કારખાનાથી ગોલ્ડ પ્લેટની ચોરી કરી હતી.