ભાઈની હત્યાનો ખાર રાખી પિતરાઈનું કારમાં અપહરણ કરીને છરીથી હુમલો

  • May 14, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડા જીઆઇડીસી ગેઇટ પાસેથી કારખાનાંથી છૂટેલા યુવકનું તેના જ ફઇના બે દીકરાએ કારમાં અપહરણ કરી નવા 150 ફૂટ રિંગ રોડ પર મુંજકા પાસે આવેલા પરશુરામ મંદિર પાસે લઈ જઈ ધોકા, પાઇપ અને છરીથી હુમલો કરી મારમારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં મુળ પડધરીના ઢોકળીયાના શિવરાજ ગોવિંદભાઇ મુછડીયા (ઉ.વ.૧૮) નામના યુવાનનું સાંજે આઠેક વાગ્‍યે મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧ પાસેથી તેના જ ફઇના દિકરાઓએ કારમાં અપહરપણ કરી નવા ૧૫૦ રીંગ રોડ પર મુંજકા પાસેના પરશુરામ મંદિર પાસે લાવી છરી-ધોકાથી બેફામ માર મારી રોડ પર ફેંકી દેતાં યુવાનને કોઇ રાહદારીએ ૧૦૮ મારફત ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે. શિવરાજના માતા-પિતાએ અગાઉ બહેનના દિકરાની હત્‍યા કરી હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું ખુલ્‍યું છે.

પ્રાપ્ત વિગત મુજબ મુળ પડધરીના ઢોકળીયા ગામનો વતની અને હાલ મોટાબા સાથે રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહી મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં નોકરી કરતો શિવરાજ ગોવિંદભાઇ મુછડીયા (ઉ.વ.18)નો યુવક ગઈકાલે સાંજે જીઆઇડીસી ગેઇટ-૧ પાસે હતો ત્યારે ફઇના દિકરાઓ ખુશાલ હમીરભાઇ અને તેનો ભાઈ રાહુલ કાર લઈને આવ્યા હતા અને યુવકને બળજબરી પૂર્વક કારમાં બેસાડી નવા 150 ફૂટ રોડ પર મુંજકા નજીક પરશુરામ મંદિર પાસે લઈ આડેધડ ધોકા-પાઇપ અને છરીના ઝીકી થોડે દૂર રોડ પર ફેંકી દેવાતા ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા યુવકને જોઈ પસાર થતા રાહદારીએ 108ને જાણ કરતા યુવકને સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. યુવકે પોતા ઉપર

હુમલો થયો હોવાનો ફોન મોટીબાને કરતા પરિવારજનો શોધખોળ બાદ સિવિલ હોસ્પિટલએ પહોંચ્યા હતા.આ બાબતે તેના મોટીબા નાથીબેને જણાવ્‍યું હતું કે શિવરાજના માતા અને પિતા શિવરાજના ફઇના દીકરાની સગપણ બાબતેની હત્યાના ગુનામાં દસેક મહિનાથી જેલમાં છે. ખુશાલ અને રાહુલે પોતાના ભાઇ જયદિપની હત્‍યા મામા-મામીએ કરી હોઇ તેનો ખાર રાખી આ બંનેના એકના એક દિકરા શિવરાજનું અપહરણ કરી હુમલો કર્યો હતો. બનાવ અંગે મેટોડા પોલીસ વધુ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application